પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદાનો શિકાર થઈ ખ્રિસ્તી મહિલા, કોર્ટે આપ્યો મૃત્યુદંડ
પાકિસ્તાન- 20 સપ્ટેમ્બર : પાકિસ્તાનની એક અદાલતે ગુરુવારે એક ખ્રિસ્તી મહિલાને ઈશનિંદાના કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવી છે. તે બીજી ખ્રિસ્તી મહિલા છે જેને ઈશનિંદાના કડક કાયદા હેઠળ મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. સપ્ટેમ્બર 2020 માં, વ્હોટ્સએપ ગ્રૂપ પર પ્રોફેટ મોહમ્મદ વિશે વાંધાજનક સામગ્રી શેર કરવાના આરોપમાં શૌતા કેરેન વિરુદ્ધ ઇશનિંદાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે તે આ નિર્ણય સામે 30 દિવસની અંદર ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદો ખૂબ જ કડક છે અને ઘણી વખત તેના દુરુપયોગના ગંભીર મામલા સામે આવ્યા છે.
કોર્ટે 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો
અહેવાલો અનુસાર, સુનાવણી પછી, ઇસ્લામાબાદની વિશેષ અદાલતના ન્યાયાધીશ અફઝલ મજુકાએ કેરેનને પાકિસ્તાન પીનલ કોડની કલમ 295C હેઠળ દોષી ઠેરવી હતી, જેમાં મૃત્યુદંડની જોગવાઈ છે. કોર્ટે કેરન પર 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ સિવાય કોર્ટે મહિલાને પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક ક્રાઈમ એક્ટ (PECA)ની કલમ 11 હેઠળ 7 વર્ષની જેલની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ન્યાયાધીશે સંક્ષિપ્ત આદેશમાં કહ્યું કે દોષિતને 30 દિવસની અંદર ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવાનો અધિકાર છે.
આસિયા બીબી 8 વર્ષથી જેલમાં હતી
જજ મજુકાએ કહ્યું કે હાઈકોર્ટના નિર્ણય બાદ જ સજા ફટકારવામાં આવશે. પયગંબર મોહમ્મદ અને ઇસ્લામ ધર્મનું અપમાન કરવા બદલ મૃત્યુદંડ મેળવનાર કેરન બીજી ખ્રિસ્તી મહિલા છે. આ પહેલા આસિયા બીબી નામની એક ખ્રિસ્તી મહિલાને ઈશનિંદાના કેસમાં મૃત્યુદંડની સજા થઈ હતી અને તે 8 વર્ષ સુધી જેલમાં રહી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આસિફ સઈદ ખોસાની અધ્યક્ષતાવાળી બેન્ચે ઓક્ટોબર 2018માં તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. નિર્દોષ છૂટ્યા બાદ બીબી તેના પરિવાર સાથે કેનેડા શીફ્ટ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : ગાંધીનગરઃ અનામત દૂર કરવાના રાહુલ ગાંઘીના નિવેદનને ભારતીય જનતા પાર્ટીએ વખોડ્યું