ડીસામાં વઘુ એક લવજેહાદનો કિસ્સો આવ્યો સામે…
પાલનપુર: ડીસા શહેરમાં તાજેતરમાં જ હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક દ્વારા લવ જેહાદમાં ફસાવી તેના પરિવારને ધર્માંતરણ કરવાનો મુદ્દો દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો .ત્યારે ફરીથી વિધર્મી યુવક દ્વારા હિન્દુ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ કરી હોવાની બાબત સામે આવતા પોલીસે તાત્કાલિક પગલાં લઈ ગણતરીના કલાકમાં બંનેને ઝડપી લઇ સગીરાને તેના પરિવારજનોને સોંપી હતી.
ડીસાના જુનાડીસા રોડ પર ગંગાજી વ્હોળામાં રહેતા શ્રમિક પરિવારની સગીરા રસોઈ ગ્રુપમાં કામ કરતી હતી. જેમાં તેણીનો પરિચય વેઇટર તરીકે પીરસવાના કામમાં આવતા અમીરગઢ તાલુકાના વિરમપુરના સોયબ સુમરાભાઇ સિંધી સાથે થયો હતો. બંને જણા કેટરિંગ વ્યવસાયમાં સાથે મજૂરી કરતા હોય સોએબે લગ્નની લાલચ આપી તેને મોબાઈલ લઈ આપી ઇન્સ્ટાગ્રામ પર ચેટ અને વાતચીત કરતા શીખવાડી દીધું હતું. ત્યારબાદ તારીખ 10 સપ્ટેમ્બર ના રોજ સોએબ સગીરાને ભગાડીને લઈ ગયો હતો .
જે બાબત તેના પરિવારજનોને જાણ થતા તેઓએ તાત્કાલિક ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા નો સંપર્ક કરતા ધારાસભ્ય એ જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીસા રૂરલ પોલીસ ને જાણ કરતા પોલીસે અલગ -અલગ ટીમો બનાવી બંનેની તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. જેમાં માત્ર ચાર જ કલાકના સમયમાં પોલીસે બંને જણા ને ઝડપી લીધા હતા. પોલીસે સગીરાને પૂછપરછ કરતા યુવકે તેની સાથે બળજબરીથી દુષ્કર્મ કર્યું હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે શોએબ સામે ઇપી કો કલમ 363, 366 376(2) એન અને પોકસો કલમ 4,6 મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી તેનો કોવિડ રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે સગીરાને તેના પરિવારજનોને સોંપી હતી.
આ પણ વાંચો: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડને મોટી સફળતા, મધદરિયેથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું, પંજાબ જેલનું કનેક્શન
ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, પરિવારજનોએ તાત્કાલિક જાણ કરતા પોલીસ ટીમોએ સતર્કતા દાખવતા ગણતરીના કલાકમાં યુવકને ઝડપી લેવાયો છે. જે બદલ પોલીસ ટીમ અભિનંદનને પાત્ર છે. હજુ પણ વિધર્મી યુવકો સમજીને આવી ચેષ્ટાઓ બંધ કરે તેમજ હિન્દુ વાલીઓ પણ પોતાની દીકરીઓનું ધ્યાન રાખે અને તેમના મોબાઈલ ફોન અવારનવાર ચેક કરતા રહે તેવી સતર્કતા દાખવે તે જરૂરી છે.