ગુજરાત
કચ્છઃ રાપરમાં લોહીના સંબધને લજવતો વધુ એક કિસ્સો, નજીવી બાબતે ભાઈએ સગા ભાઈની હત્યા કરી


કચ્છના રાપરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી લાશ કૂવામાં ફેંકી દીધી હતી. નજીવી બાબતમાં લોહી લોહીના સંબંધ ન રહ્યાં અને નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
કચ્છના રાપરના એક ગામમાં નાના ભાઈએ જ મોટા ભાઈને પતાવી દઈ લાશને કૂવામાં નાખી દીધી હતી. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સાટામાં આપેલી દીકરીને વળાવવામાં વિલંબ કરતા સગા ભાઈએ જ મોટા ભાઈને પતાવી દીધો હતો. મૃતકે નાના ભાઈના લગ્ન કરાવી સાટામાં તેમની દીકરી પરણાવેલી હતી. દીકરીને સાસરે વળાવવામાં મોટો ભાઈ વિલંબ કરતો હોવાથી બંને ભાઈઓ વચ્ચે અવારનવાર બોલાચાલી પણ થતી હતી. આખરે કંટાળીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.