લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, આ પૂર્વ ધારાસભ્ય પંજાને કરી શકે છે રામરામ
- લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સુત્રો પ્રમાણે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લોકસભા ચૂંટણી પહેલા પંજાને રામરામ કહી કેસરિયો કરે તેવી શક્યતા છે
અમરેલી, 3 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા બાદ હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય લોકસભા ચૂંટણી પહેલા પંજાને રામરામ કહી કેસરિયો કરે તેવી શક્યતા છે. અમે વાત કરી રહ્યા છીએ રાજુલાના પૂર્વ MLA અમરીશ ડેરની જેઓ ગમે ત્યારે કોંગ્રેસને રામરામ કહી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમરીશ ડેર બે દિવસમાં ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં જોડાવાની સાથે જ અમરીશ ડેરને બીજેપીમાં મહત્વની જવાબદારી પણ મળી શકે છે. નોંધનિય છે કે, ડેર 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ડેર 2017માં હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. જો કે, 2022ની ચૂંટણીમાં અમરીશ ડેરનો હિરા સોલંકી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
પાંચ વર્ષમાં 31 દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ થયા
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 31 દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા છે. તેમાં વર્તમાનથી લઈ પૂર્વ ધારાસભ્ય, મંત્રી, સાંસદોનો સમાવેશ થાય છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જ સાત મોટા નેતાઓએ કેસરીયો ખેસ પહેરી લીધો છે. 2019 બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા 9 લોકો વર્તમાન ધારાસભ્ય છે. જ્યારે 20 નેતાઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.
ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ સફળ
લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ સફળ થયું છે. જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ખેંચી જવા માટેના પ્રયાસો સંપૂર્ણ પણે સફળ થયાં છે. હવે ભાજપના નિશાને તુષાર ચૌધરી, કનુ બારૈયા, ગુલાબસિંહ ચૌહાણ, અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર છે. ગઈકાલે નારણ રાઠવા સહિત 11 હજારથી વધુ લોકો ભાજપમાં જોડાયા હતાં. કોંગ્રેસનું હવે શું થશે એવા સવાલો અનેક રાજકીય સુત્રોમાં થઈ રહ્યાં છે. જ્યારે ભાજપ આ વખતે પાંચ લાખના માર્જિનથી દરેક સીટ જીતીને હેટ્રીક કરવા માંગે છે. વિધાનસભામાં 150 બેઠક મેળવવાનો રેકોર્ડ તોડ્યા બાદ હવે લોકસભામાં શું થાય છે એતો આવનારો સમય જ બતાવશે.
આ પણ વાંચો: મહેસાણા બેઠક પર ઉમેદવાર જાહેર થાય તે પહેલાં જ નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી