ધરપકડ બાદ શાહજહાં શેખને વધુ એક ફટકો, CM મમતાએ 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા


પશ્ચિમ બંગાળ, 29 ફેબ્રુઆરી : તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ગુરુવારે શેખ શાહજહાંને(Sheikh Shah Jahan) પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ વર્ષે 5 જાન્યુઆરીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર થયેલા હુમલાના સંબંધમાં પશ્ચિમ બંગાળ પોલીસે શાહજહાંની આજે ધરપકડ કરી હતી.
ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ’બ્રાયને શાહજહાંની ધરપકડ બાદ તરત જ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. બ્રાયને કહ્યું, ‘અમે શેખ શાહજહાંને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. હંમેશની જેમ, અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. આપણે ભૂતકાળમાં પણ દાખલા બેસાડ્યા છે અને આજે પણ તે કરી રહ્યા છીએ.
ઓ’બ્રાયને પોતાની પીસીમાં ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, અમે ભાજપને પડકાર આપીએ છીએ કે તે નેતાઓને સસ્પેન્ડ કરે કે જેમની સામે ભ્રષ્ટાચાર સહિત અનેક ગુનાહિત કેસ છે. શેખ સંદેશખાલી વિધાનસભા ક્ષેત્રના ટીએમસી સંયોજક હતા અને પાર્ટી દ્વારા સંચાલિત ઉત્તર 24 પરગણા જિલ્લા પરિષદના સભ્ય પણ હતા.
ટીએમસીના શક્તિશાળી નેતા શેખ શાહજહાંની 55 દિવસ ફરાર થયા બાદ ગુરુવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. 53 વર્ષીય તૃણમૂલ નેતાને ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યાં તે તેના સહયોગીઓ સાથે છુપાયેલો હતો. રિમાન્ડ બાદ અધિકારીઓએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સીઆઈડીએ શાહજહાં શેખ વિરુદ્ધ નોંધાયેલા કેસની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગર્ભવતી મહિલાનો મૃતદેહ અનેક ટુકડાઓમાં મળી આવ્યો, પોલીસ પણ ચોંકી