સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે. આ સિલસિલો આ વર્ષે પણ યથાવત રહેતા સિંગતેલ, કપાસિયા તેલ ભાવમાં ફરી એકવાર વધારો થયો છે.
તેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા સિંગતેલના ડબ્બો 2800 ની સપાટીએ પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 10નો ભાવ વધારો નોંધાયો છે. આ ભાવ વધારાથી સિંગતેલનો ડબ્બો 2810 રૂપિયા પહોંચ્યો છે. કપાસિયા તેલમાં પણ 10 રૂપિયાના વધારા સાથે ડબ્બાનો ભાવ 2510 થયો છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર સિંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સિંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે, પરિણામે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
પામોલિન તેલના ભાવમાં ઘટાડો
ઈન્ડોનેશિયાથી મોટા પ્રમાણમાં પામતેલની આયાતને લઈને પામતેલનો ડબ્બો 1920 રૂપિયાએ પહોંચ્યો છે. જોકે, માત્ર પામોલિન તેલના ભાવમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં પામતેલના ભાવમાં 500 થી 600 રૂપિયાનું ઘટાડો થયો છે.