ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસને વધુ એક ઝાટકો, પુરીના ઉમેદવારે પરત કરી ટિકિટ, કહ્યું: પ્રચાર માટે પૈસા નથી

  • ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાનો રસ્તો થઈ ગયો સરળ 

ઓડિશા, 4 મે: ગુજરાતમાં સુરત પછી અને મધ્યપ્રદેશમાં ઈન્દોર બેઠક બાદઓડિશાના પુરીથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પુરીથી કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતી(Sucharita Mohanty)એ પોતાની ટિકિટ પાર્ટીને પરત કરી દીધી છે. તેમનું કહેવું છે કે, તેમની પાસે ચૂંટણી પ્રચાર માટે પૈસા નથી. પાર્ટીએ ચૂંટણી લડવા માટે ભંડોળ પૂરું પાડ્યું નથી, જેના કારણે તે પોતાની ટિકિટ પરત કરી રહી છે. કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી લડવા માટે ભંડોળનો અભાવ અને નબળા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો આરોપ લગાવીને તેમની ટિકિટ પરત કરી છે. પુરી બેઠક પર છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થવાનું છે. સુચારિતા મોહંતી વર્ષ 2014માં કોંગ્રેસમાં જોડાયા હતા. આ વખતે જ્યારે તેમને પુરીથી ટિકિટ મળી ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત હતા અને જીતનો દાવો પણ કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સુચારિતા મોહંતી પુરીમાં કોંગ્રેસની ટિકિટ પર બીજેપી નેતા સંબિત પાત્રા સામે ચૂંટણી લડી રહી હતી. પરંતુ હવે સુચારિતા મોહંતી કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડશે નહીં. ચૂંટણી લડવા માટે પૈસાની અછતને કારણે તેણે પોતાના પગલા પાછા ખેંચી લીધા છે. અગાઉ સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ્દ કરવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી હતી. આ રીતે ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપના મુકેશ કુમાર બિનહરીફ જીત્યા હતા. ઈન્દોર લોકસભા સીટનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કોંગ્રેસે અહીંથી અક્ષય બમને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ બાદમાં તેઓએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. હવે ઈન્દોર સીટ પર પણ કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી.

હું આવી રીતે ચૂંટણી નહિ લડી શકું: સુચારિતા મોહંતી

પુરી સંસદીય મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતી કહ્યું કે, “મેં ટિકિટ પરત કરી છે કારણ કે પાર્ટી મને ભંડોળ પૂરું પાડવા સક્ષમ ન હતી. બીજું કારણ એ છે ક,  7 વિધાનસભા મતવિસ્તારની કેટલીક બેઠકો પર જીતવા માટે લાયક ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી ન હતી. ઘણા નબળા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, હું આવી રીતે ચૂંટણી નહીં લડી શકું.”

હું એકલા હાથે ઝુંબેશ માટે ભંડોળ એકત્ર કરી શકી નહીં: કોંગ્રેસ ઉમેદવાર

સુચારિતા મોહંતીએ કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલને પત્ર લખીને ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. જેમાં તેણે ચૂંટણી લડવાની  ના પાડી દીધી હતી. મહત્ત્વપૂર્ણ છે કે, અગાઉ સુરત અને ઈન્દોરમાં પણ કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી હતી, હવે પુરીમાં પણ આવું જ થયું છે. સુચારિતા મોહંતીનું કહેવું છે કે, તે પોતાના દમ પર ચૂંટણી પ્રચાર માટે પૈસા એકઠા કરી શકી નથી, તેથી જ તેણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તે પાર્ટીને પોતાની ટિકિટ પરત કરી રહી છે.

સુચારિતા મોહંતીએ વધુમાં કહ્યું કે, ટિકિટ પરત કર્યા પછી પણ કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. પક્ષ તરફથી કહેવામાં આવ્યું કે પ્રચાર માટે તેમણે પોતાની વ્યવસ્થા કરવી પડશે. પાર્ટી આમાં મદદ કરી શકશે નહીં. હું ઇચ્છતી હતી કે વિધાનસભા સીટો પર મજબૂત ઉમેદવારો હોવા જોઈએ અને લોકસભા માટે પ્રચાર કરવાનું સરળ બને. ટિકિટ ખૂબ જ લોકતાંત્રિક રીતે મળી હતી. સામાન્ય રીતે પાર્ટી ઉમેદવારોને ફંડ આપે છે. ભાજપે એટલા બધા નિયંત્રણો લાદી દીધા છે કે પાર્ટી માટે પણ ફંડ આપવું મુશ્કેલ બની રહ્યું છે. પાર્ટી સામે પણ મોટો પડકાર છે. ભાજપ નથી ઈચ્છતું કે કોંગ્રેસ યોગ્ય રીતે પ્રચાર કરે. આવી સ્થિતિમાં પાર્ટી પણ લાચાર છે અને પોતાના ઉમેદવારોને મદદ કરવા સક્ષમ નથી.

આ પણ જુઓ: કોંગ્રેસના ઉમેદવાર મહિલાને થપ્પડ મારતા જોવા મળ્યા, વીડિયો થયો વાયરલ

Back to top button