યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતને સસ્તુ તેલ વેચી રહેલા રશિયાએ વધુ એક મોટી ઓફર કરી છે. મળતી માહિતી મુજબ, યુક્રેન સાથે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે, ઘણી અમેરિકન અને યુરોપીયન કંપનીઓએ રશિયામાં તેમનો વ્યવસાય બંધ કરી દીધો છે. આવી સ્થિતિમાં રશિયા ઈચ્છે છે કે ભારતીય કંપનીઓ આ કંપનીઓ દ્વારા છોડી દેવામાં આવેલા બિઝનેસને પોતાના હાથમાં લઈ લે.
અંગ્રેજી અખબાર ‘ધ હિંદુ બિઝનેસલાઈન’ના અહેવાલ અનુસાર, રશિયાએ અમેરિકન અને યુરોપીયન કંપનીઓ દ્વારા છોડી દેવામાં આવેલા બિઝનેસને ભારતીય કંપનીઓને આપવા માટે ભારે રસ દાખવ્યો છે. રશિયા ઈચ્છે છે કે ભારતીય કોર્પોરેટ સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમનો લાભ લઈને આ ડીલ કરે અને સૌથી ઝડપથી વિકસતા યુરોપીયન અર્થતંત્રમાં પોતાને સ્થાપિત કરે. આ મંચનું આયોજન 5 થી 8 જૂન 2024 દરમિયાન કરવામાં આવશે.
અમેરિકન અને યુરોપિયન કંપનીઓએ રશિયામાં વેપાર બંધ કર્યો
હકીકતમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ યુક્રેનનું સમર્થન કર્યું છે. રશિયાની અર્થવ્યવસ્થાને નબળી પાડવા માટે ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. Roscongress ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર અને SPIEF ના ડિરેક્ટર એલેક્સી વાલ્કોવ કહે છે કે એવા ઘણા વ્યવસાયો છે જે યુરોપીયન અને અમેરિકન કંપનીઓએ તેમની સરકારોના દબાણને કારણે છોડી દીધા છે. સ્થાનિક રશિયન કંપનીઓ ઉપરાંત ચીનની કંપનીઓ પણ ટેકઓવર કરવા તૈયાર છે.
એલેક્સી વાલ્કોવે વધુમાં જણાવ્યું હતું કે ઓટોમોટિવ, ટ્રાન્સપોર્ટેશન, ટેક્સટાઈલ અને લાઇટ ઈન્ડસ્ટ્રી જેવા ઘણા ક્ષેત્રો છે, જે ભારતીય રોકાણકારો અને કંપનીઓ માટે રસપ્રદ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે વ્યાપારી હિતોની વાત કરવી યોગ્ય નથી. પરંતુ પરંપરાગત ક્ષેત્રોમાં ભારત સાથે અમારો વેપાર હાલમાં વધી રહ્યો છે.