જમ્મુ કાશ્મીરમાં ફરી બિહારી શ્રમિકોની હત્યાનો પ્રયાસ, પુલવામામાં ગોળીબારમાં બે ઘાયલ
ઘાટીમાં આતંકીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ કૃત્યને અંજામ આપ્યો છે. શનિવારે આતંકવાદીઓએ બિહારના બે મજૂરોને ગોળી મારી દીધી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના પુલવામાના ખારપોરા રત્નીપોરામાં બની હતી. હાલ બંને મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબીબોએ બંનેની હાલત સ્થિર હોવાનું જણાવ્યું છે. હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ ચાલુ છે. બીજી તરફ, બંને મજૂરોની ઓળખ બિહારના બેતિયા જિલ્લાના શમશાદ અહેમદ અને ફૈઝાન કાદરી તરીકે થઈ છે.
અગાઉ 11 ઓગસ્ટના રોજ આવી જ ઘટના થઈ હતી
આ પહેલા 11 ઓગસ્ટના રોજ આતંકવાદીઓએ કાશ્મીર ડિવિઝનના બાંદીપોરામાં બિન-સ્થાનિક નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં નાગરિક ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. મૃતક મજૂરની ઓળખ મોહમ્મદ અમરેજ તરીકે થઈ છે, જે બિહારનો રહેવાસી મજૂર છે.