મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલ મોકલનાર બીજો આરોપી ઝડપાયો
- મુકેશ અંબાણીને ઈમેલ મોકલીને રૂ. 400 કરોડની ખંડણી માંગવા બદલ મુંબઈ પોલીસે બે છોકરાઓની ધરપકડ કરી છે.
- એક આરોપી તેલંગાણાનો અને બીજો ગુજરાતનો છે.
- 27 ઓક્ટોબરે અંબાણીની કંપનીના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો.
મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને મળેલા ધમકીભર્યા ઈમેલની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે શનિવારે તેલંગાણા અને ગુજરાતના બે યુવકોની ધરપકડ કરી હતી. છેલ્લા આઠ દિવસમાં અંબાણીની કંપનીના સત્તાવાર ઈમેલ આઈડી પર ત્રણ ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. જેમાં 400 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. એક આરોપી છોકરાની ઓળખ ગણેશ રમેશ વનરાપતિ (19) તરીકે થઈ છે. તેની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેલંગાણાના વારંગલથી ધરપકડ કરી છે. બીજા આરોપીની ઓળખ શાદાબ ખાન (21) તરીકે થઈ છે. તે ગુજરાતમાંથી પકડાયો છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપી ગણેશ રમેશ વનરાપતિ અને શાદાબ ખાનની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. ત્યાં તેમની આ મામલે પૂછપરછ કરવામાં આવશે. બંને બે અલગ અલગ આઈડીનો ઉપયોગ કરીને ધમકીભર્યા ઈમેલ મોકલતા હતા. મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે મુંબઈ ગામદેવી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. બંનેની આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસમાં લાગેલી છે.
20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને જાનથી મારી નાખીશું
27 ઓક્ટોબરની સાંજે એક અજાણ્યો વ્યક્તિ મુકેશ અંબાણીની કંપનીના ઈમેલ આઈડી પર ઈમેલ મોકલે છે. ઈમેલમાં અંબાણીને સીધી ધમકી લખવામાં આવી હતી કે, જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે. આ ધમકી સીધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને આપવામાં આવી હોવાથી, તેનાથી કંપનીમાં ગભરાટ ફેલાયો ગયો હતો. મુકેશ અંબાણીના સિક્યોરિટી ઈન્ચાર્જ તરફથી ફરિયાદ મળતા જ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ આ કેસ વિશે કોઈ માહિતી એકઠી કરે તે પહેલાં 28 ઓક્ટોબરે બીજો ઈમેલ આવ્યો હતો.
પહેલા 20 કરોડ. પછી 200 કરોડ. તે પછી 400 કરોડ. ગુનાના ઈતિહાસમાં કદાચ આ પ્રકારનો આ પહેલો કિસ્સો હશે જ્યારે કોઈએ માત્ર પાંચ દિવસમાં કોઈની પાસેથી આટલી મોટી રકમની માંગણી કરી હશે. એ પણ 6.50 લાખ કરોડની સંપત્તિના માલિક અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પાસેથી માંગણી કરવામાં આવી હતી. બંને આરોપીઓ એટલા નિર્ભય હતા કે તેઓ ખંડણીની રકમ વધારતા રહેતા હતા અને દરેક ઈમેલમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. તેમના આ કૃત્યએ મુંબઈ પોલીસથી લઈને તમામ સુરક્ષા એજન્સીઓ સુધી બધાને વિચારવા મજબૂર કરી દીધા. જોકે એક અઠવાડિયામાં જ મુંબઈ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
અંબાણી પરિવારને 2022માં જાનથી મારી નાખવાની ધમકી મળી હતી
મુકેશ અંબાણી પાસેથી ખંડણી માંગવાની આ પહેલી ઘટના નથી. અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સર એચએન રિલાયન્સ હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર એક વ્યક્તિએ ધમકીભર્યો કોલ કર્યો હતો. તેણે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની સાથે અંબાણી પરિવારને મારવાની વાત કરી હતી. પોલીસે આ મામલે બિહારના 30 વર્ષીય રાકેશ કુમાર મિશ્રાની ધરપકડ કરી હતી. ગયા વર્ષે પણ 15 ઓગસ્ટે આ જ હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર એક પછી એક નવ ધમકીભર્યા કોલ આવ્યા હતા. જેમાં અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે આ મામલે 56 વર્ષીય વિષ્ણુ ભૌમિકની ધરપકડ કરી હતી.
અંબાણી પરિવારને Z પ્લસ કેટેગરીની સુરક્ષા મળે છે
મુકેશ અંબાણી અને તેમના પરિવારને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા મળેલી છે. અગાઉ તેમને માત્ર ઝેડ કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ હતી,પણ વર્ષ 2013માં તેમના પરિવારને મળતી ધમકીઓ અને જોખમોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા પૂરી પાડી હતી. આ સુરક્ષા હેઠળ મુકેશ અંબાણી સાથે દરેક ક્ષણે માત્ર કમાન્ડો જ નહી પણ જ્યારે પણ મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, તેમના બાળકો અને તેમની પુત્રવધૂ પણ ઘરની બહાર નીકળે છે ત્યારે તેમની સુરક્ષા માટે તેમની સાથે પોલીસની પાયલોટ અને એસ્કોર્ટ ગાડીઓ ચાલે છે. તેમની અને તેમના પરિવારની સુરક્ષા માટે CRPFના 58 કમાન્ડો તૈનાત છે.
આ પણ વાંચો, રાજ્યમાં નવ નિયુક્ત ૪,૧૫૯ યુવા કર્મીઓને નિમણૂક પત્ર એનાયત