અમદાવાદના SG હાઇવે પર વધુ એક અકસ્માત: કાર પલટી મારી જતાં એકનું મોત, 4 ઇજાગ્રસ્ત
અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં 1 વ્યક્તિનું મોત અને અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પકવાન બ્રિજથી ગાંધીનગર જતા માર્ગ પર અકસ્માત
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના એસ.જી હાઈવે પર વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો હતો. એસ.જી હાઈવે પર પકવાન બ્રિજથી ગાંધીનગર જતાં માર્ગ પર કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. કાર ડિવાડર પરના ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ હતી. અકસ્માતને પગલે અહીં રાહદારીઓના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અને સ્થાનિક લોકોએ કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. અને એબ્યુલન્સને આ અંગે જાણ કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.
અકસ્માતમાં એકનું મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત
જાણકારી મુજબ આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું,જ્યારે અન્ય 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક જાણકારી મુજબ અકસ્માતમાં મૃત્ય પામનાર શખ્સનું નામ નરેશ પ્રજાપતિ નામના છે. અને ડ્રાઇવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે.
એસ.જી હાઈવે પર ઓેવરસ્પીડના કારણે અકસ્માતની ઘટનાઓ વધુ
ઉલ્લેખનીય છે કે અમદાવાદના એસ.જી હાઈવે પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે SG હાઈવે રોડ અકસ્માતનું હોટસ્પોટ બની ગયું છે. જેમાં ખાસ કરીને ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે બેફામ વાહન હંકારતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવી ખુબ જરુરી બને છે.
આ પણ વાંચો : વિવાદનો અંત: સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો દૂર થયા