આજનો દિવસ અમદાવાદ માટે ગોઝારો સાબિત થયો છે. ગઈ કાલે મોડી રાત્રે શહેરના સરખેજ-ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા એકઠા થયેલા લોકોને પૂર ઝડપે આવી રહેલી જગુઆર કારે કચડ્યા હતા, પૂર ઝડપે જેગુઆર ગાડી આવી અને 9 લોકોને કાળ બની ભરખી ગઈ હતી. ત્યારે 9 વ્યક્તિઓનો ભોગ લેનાર અકસ્માતના સ્થળના થોડા જ અંતરે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.
ઇસ્કોન બ્રિજ પર સર્જાયો વધુ એક અકસ્માત
મળતી માહિતી મુજબ આજે સવારે ઇસ્કોન બ્રિજ પર 9 વ્યક્તિઓનો ભોગ લેનાર અકસ્માતના સ્થળના થોડા જ અંતરે ચાર મોટરકાર અથડાઇ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. પરંતુ ઘટના સ્થળે ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા હતા. ત્યારે આ અકસ્માત બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં બેફામ વાહન ચાલકો પર રોક ક્યારે લાગશે ? વારંવાર રોડ અક્સમાતમાં નિર્દોષ લોકોનો ક્યાં સુધી ભોગ લેવાશે? હવે આ ઘટના બાદ શું પગલા લેવામાં આવશે તે જોવું રહ્યું.
મોડી રાત્રે પણ ઈસ્કોન બ્રિજ પર સર્જાયો હતો અક્સ્માત
મોડી રાત્રે અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર મહિન્દ્રા થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો.ત્યાં ઈજાગ્રસ્તોને મદદ કરવા માટે લોકોના ટોળા જમા થઈ ગયા હતા. આ દરમિયાન મોડી રાત્રે પૂર ઝડપે 180થી વધુની સ્પિડ પર આવી રહેલી જેગુઆર ગાડીએ અકસ્માત પાસે ઉભેલા ટોળાને ફંગોળ્યું હતું. આ ટક્કર એટલી ભયાનક હતી કે ટોળામાં ઉભેલા બધા લોકો હવામાં ફંગોળાઈ 25થી 30 ફૂટ દૂર પડ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદ : અકસ્માત બાદ લોકોએ આરોપી તથ્ય પટેલને માર માર્યાનો વિડિયો આવ્યો સામે