દેશભરમાં પાણીના શ્રેષ્ઠ આયોજન માટે ભોપાલ ખાતે યોજાઈ વાર્ષિક બેઠક, ગુજરાતે રજૂ કર્યું 2047નું વિઝન
કેન્દ્ર સરકારના જળ સંશાધન, જળ શક્તિ મંત્રાલય દ્વારા મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે દેશના ત્રીસ રાજ્યોની પ્રથમ વાર્ષિક બેઠક યોજાઇ છે જેમાં દેશના ત્રીસ રાજયોના રાજ્યમંત્રીઓ, કેન્દ્ર સરકારના જળસંશાધન, જળશક્તિ મંત્રાલયના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી તથા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે શ્રેષ્ઠ આયોજન કર્યુ છે. જેના પરિણામે વર્ષ 2047માં નાગરિકોની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 850 ક્યુબીક મીટરથી વધારીને 1700 ક્યુબીક મીટર કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે.
બે દાયકામાં પાણીની ઉપલબ્ધિના આયોજનનું પ્રેઝન્ટેશન કરાયું
ભોપાલ ખાતે યોજાયેલ આ કોન્ફરન્સમાં સહભાગી થતા મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે વોટર વિઝન અને અછત નિવારવા પાણીના યોગ્ય સંશાધનોમાં સુનિશ્ચિત ઉપયોગ માટે શ્રેષ્ઠ આયોજન કર્યુ છે. તેમણે રાજ્યના 2047ના વોટરવિઝન અને ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં અછતગ્રસ્ત પાણીના અભાવવાળા વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે કરેલા આયોજનની વિકસીત રૂપરેખા પ્રેઝન્ટેશન દ્વારા આવી હતી. બાવળીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આ નવતર અભિગમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, પાણીના વિષયને સંકલિત કરીને આ પ્રકારની અભૂતપૂર્વ કોન્ફરન્સનું આયોજન દેશમાં પહેલી વખત થયું છે.
અત્યારસુધી તમામ મુદ્દાઓ અલગ અલગ લેવાતા હતા
વધુમાં તેમણે કહ્યું હતું કે, જળ સંસાધન, પીવાના પાણી, સિંચાઈ વ્યવસ્થા, શહેરી વિસ્તારમાં પાણીના ઉત્પાદન, ઉપલબ્ધિ અને તેનો યોગ્ય પ્રકારે ઉપયોગ વગેરે મુદ્દાઓને અત્યાર સુધી જુદા જુદા વિષયો તરીકે લેવાતું હતું. તેની જગ્યાએ પ્રથમ વખત એક મંચ પર સંકલિત થવાથી વર્ષ 2047 સુધી અમૃતકાલના કેન્દ્ર અને રાજ્ય સરકારના આયોજનો કરવામાં આ કોન્ફરન્સ ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે.
પાણીની વ્યવસ્થા અંગે ગુજરાતનું વિઝન રજૂ કરાયું
તેમણે કહ્યું કે, સર્ક્યુલર ઇકોનોમીના કન્સેપ્ટ સાથે જ્યારે ભારત વર્ષ-2047ના અંત સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે, ત્યારે દરેકે દરેક નાગરિક માટે જળ સંશાધન સહિત તમામ પ્રકારના સ્વરૂપોમાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ આજના સમયનો પડકાર છે અને સાથે સાથે એક તક પણ મળશે. ગુજરાત માટે વર્ષ-2047 નું વિઝન રજુ કરતા તેમણે કહ્યું કે ગુજરાતનું વિઝન ચાર મુખ્ય સ્તંભો ઉપર આયોજીત છે.
ક્યાં ચાર સ્તંભ છે ?
જેના પહેલા સ્તંભમાં સંસાધનની ઉપલબ્ધતા, બીજા સ્તંભમાં માંગનું યોગ્ય નિયોજન, ત્રીજા સ્તંભમાં જરૂરિયાત મુજબ સપ્લાયનો યોગ્ય પ્રયોજન અને ચોથા સ્તંભમાં જળની સ્થિરતા લાંબા ગાળા માટે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ચાર સ્તંભો ગુજરાત કયા પ્રકારે સિદ્ધ કરશે તે માટે તેમણે ગુજરાત સરકારના હાલના અભિગમ અને આગામી વર્ષોમાં જે નવી યોજનાઓ રાજ્ય સરકાર કરવા માંગે છે તે વિશે વિગતો રજુ કરી હતી.