ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમિત શાહની હાજરીમાં હરિયાણાના મુખ્યમંત્રીપદ માટે નાયબ સિંહ સૈનીના નામની જાહેરાત

Text To Speech
  • નાયબ સિંહ સૈની રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

ચંદીગઢ, 16 ઓકટોબર: નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બનશે. ભારતીય જનતા પાર્ટીની આજે બુધવારે યોજયેલી ધારાસભ્ય દળની બેઠકમાં નાયબ સિંહ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ હવે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નાયબ સિંહ સૈની આવતીકાલે પંચકુલામાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.

 

બેઠકમાં અનિલ વિજ અને મનોહરલાલ ખટ્ટરે મૂક્યો પ્રસ્તાવ 

આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં મળેલી વિધાનસભ્ય દળની બેઠકમાં અનિલ વિજ અને મનોહરલાલ ખટ્ટરે ધારાસભ્ય દળના નેતા તરીકે નાયબ સિંહ સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો. ભાજપે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવને વિધાનસભા પક્ષની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા.

ભાજપે એડવાન્સમાં આપી દીધી જાહેરાત

જો કે ધારાસભ્ય દળની બેઠક પહેલા જ નાયબ સિંહના નામને મંજુરી આપવા અંગે જોરદાર ચર્ચા થઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા અખબારોમાં એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી જેમાં PM મોદી અને નાયબ સિંહ સૈનીની તસવીર હતી અને લોકોને આવતીકાલે પંચકુલામાં યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી. આ જાહેરાત સંકેત આપી રહી હતી કે, આજે મળનારી વિધાનસભ્ય દળની બેઠકમાં નાયબ સિંહ સૈનીના નામને મંજૂરી આપવામાં આવશે.

આ પણ જૂઓ: જમ્મુ-કાશ્મીરના નવા મુખ્યમંત્રી બન્યા ઉમર અબ્દુલ્લા, સરકારમાં સામેલ ન થઈ કોંગ્રેસ

Back to top button