અમદાવાદગુજરાત

AUDAના બજેટમાં જાહેરાતઃ અમદાવાદ-કલોલને જોડતો રોડ સિક્સ લેન બનશે

અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2024, શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા વર્ષ 2024-25 માટે 80.46 કરોડની પુરાંત સાથેનું 1705.42 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આગામી નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં વિવિધ માળખાકીય સુવિધા ઉભી કરવા 1624.96 કરોડની જોગવાઈ કરાઈ છે. બજેટમાં ટ્રાફિક સમસ્યાને લઈ અમદાવાદ-કલોલને જોડતા રોડને સિક્સ લેન બનાવવાશે. તેમજ શેલા ઓડિટોરિયમથી મણીપુર-સંસ્કારધામ સુધીના 3.25 કિલોમીટરના માર્ગને VIP રોડ તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત ગત વર્ષે ફ્લાય ઓવરબ્રિજ અને અંડરપાસની જાહેરાત કરવામાં આવી હતી. જે ફરીવાર બજેટમાં 100 કરોડ ફાળવણીની જાહેરાત કરાઈ છે.

હાલમાં ઔડા ભવન બનાવવા પર ભાર નથી મૂક્યો
જળ જીવન મિશન અંતર્ગત તેલાવ, જાસપુર આસપાસના કુલ 55 ગામ માટે પીવાના પાણીની જાહેરાત કરવામાં આવી હતી. ઘુમા, સિંગરવા, શેલા, સનાથલ, મકરબા આસપાસના વિસ્તારમાં પણ વોટર સપ્લાયના કામો અંગેની જૂની જાહેરાત કરાઈ છે.ઔડાના બજેટમાં આગામી ઓલમ્પિકને લઈને પણ કોઈ ખાસ નવા કામો અંગે જાહેરાત થઈ નથી. ઔડાના CEO ડી.પી. દેસાઈએ જણાવ્યું હતું કે, ગત વર્ષે જે બ્રિજ અને અંડરપાસ બનાવવાની જાહેરાત કરાઈ હતી. તેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ચાલુ વર્ષથી આ કામગીરી શરૂ થઈ જશે.વિવિધ વિકાસના કાર્યો માટે પ્લોટનું વેચાણ કરી અને જે આવક ઊભી કરવાની જરૂરિયાત છે. તે પહેલા ધ્યાન પર લેવામાં આવી છે. જેથી હાલમાં ઔડા ભવન બનાવવા પર ભાર નથી મૂક્યો.

5 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક બનાવાશે
આજે બજેટમાં ઔડાએ ધોળકા અને ઘોડાસર બ્રાન્ચ કેનાલના વિકાસ 49 કરોડ ફાળવવામાં આવ્યા છે. પ્રદૂષણમાં ઘટાડો કરવા અને સ્વસ્થ વાતાવરણ ઊભું કરવા 5 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. ઔડાની હદના વિસ્તારમાં પાણી, ગટર, સ્ટ્રોમ વોટર લાઈન, રોડ વગેરેનો એક જ પ્રકારનો ફીઝીક્લ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન તૈયાર કરવા 5 કરોડની જોગવાઈ કરી છે. મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડ નામના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્ટ તરીકે નીમવામાં આવી છે. આ માટે ગ્લોબલ કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરવામાં આવનાર છે. જેમાં વિશ્વની અલગ અલગ કંપનીઓ પણ આવી શકે અને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની શકે તેના માટેનો પ્રયાસ ઔડા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.

ADB બેંક પાસેથી 1200 કરોડની લોન લેવાશે
ઔડા દ્વારા એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી રૂપિયા 1200 કરોડની લોન લેવામાં આવનાર છે. જેમાં ચાલુ વર્ષે 300 કરોડની લોન લેવામાં આવશે. આ ઉપરાંત 100 કરોડ રાજ્ય સરકાર પાસેથી અને 100 કરોડ ઔડા દ્વારા ખર્ચ કરવામાં આવશે. કુલ 500 કરોડ રૂપિયાના ખર્ચે બાકરોલ, હાથીજણ, રામોલ, પાંજરાપોળ, નિકોલ, દાસ્તાન, તપોવન, શીલજ અને સિંધુભવન જંકશન પર બ્રિજ તેમજ અંડરબ્રિજ બનાવવામાં આવનાર છે.

આ પણ વાંચોઃઅમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાશે હેરિટેજ લુક, ‘ગાંધી થાળી’ બનશે આકર્ષણનું કેન્દ્ર

Back to top button