નકલી CBI અધિકારી બનીને આવેલો અંકિત મતદાન મથકની બહાર ઝડપાઈ ગયો
- પોતાને સીબીઆઈ અધિકારી તરીકે ઓળખાવીને છેક મતદાન મથકની નજીક પહોંચી ગયો
- ઘટના ઉત્તરપ્રદેશના હાપુર ખાતે મતદાન મથકે બની
લખનઉ, 26 એપ્રિલઃ પોલીસ અને ભારતીય સૈન્યનો ગણવેશ પહેરવાનું કાયદેસર રીતે પ્રતિબંધિત હોવા છતાં બદમાશો અને બુટલેગરો આ ગેરકાનૂની પ્રવૃત્તિ બંધ કરતા નથી.
લોકસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાના મતદાન દરમિયાન અંકિત નામનો એક બદમાશ પોલીસ જેવો ગણવેશ પહેરીને પોતાને સીબીઆઈ અધિકારી તરીકે ઓળખાવીને છેક મતદાન મથકની નજીક પહોંચી ગયો હતો. જોકે, ફરજ પર હાજર સતર્ક સલામતી દળોએ તેને ઝડપી લીધો હતો. ઘટના ઉત્તરપ્રદેશના હાપુર ખાતે મતદાન મથકે બની હતી.
મળતી માહિતી મુજબ અંકિત નામનો આ બદમાશ હાપુરમાં મતદાન મથક સુધી પહોંચી ગયો હતો. તે સફેદ રંગની અલ્ટો કારમાં આવ્યો હતો. કાર ઉપર તેણે લાલબત્તી પણ લગાવી રાખી હતી અને પોલીસનો ગણવેશ પહેર્યો હતો. તેની પાસે એક નકલી ઓળખકાર્ડ હતું જેના આધારે તે પોતાને CBI અધિકારી તરીકે ઓળખાવતો હતો. જોકે, મતદાન મથકની અંદર પ્રવેશે તે પહેલાં સલામતી દળોને શંકા જતાં તેની સઘન પૂછપરછ કરી હતી અને તરત જ અંકિતની ચોરી પકડાઈ ગઈ હતી.
અલબત્ત, પૂછપરછ દરમિયાન પોલીસને ખ્યાલ આવ્યો એ આ બદમાશ માનસિક અસ્વસ્થ હોય એવું લાગે છે, કેમ કે પૂછપરછમાં તેણે કહ્યું કે, તે આ વિસ્તારમાં રહે છે અને તેને નકલી પોલિંગ બૂથની માહિતી મળી છે તેથી તે તપાસ કરવા આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી છે અને તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતનો બુટલેગર મોહમ્મદ ફારુક ભારતીય સૈન્યના વેશમાં મહારાષ્ટ્રમાં દારુની ખેપ કરતાં ઝડપાયો