ભારતથી પાકિસ્તાન પહોંચેલી અંજુએ એક વીડિયો મેસેજ મોકલ્યો છે, જાણો શું કહ્યું
ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. એવામાં અંજુએ એક વીડિયો દ્વારા મેસેજ મોકલ્યો છે. અંજુ અત્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યના ડીયર બાલા જિલ્લામાં રોકાઈ છે. મળતી માહીતી પ્રમાણે તે પાકિસ્તાનના નસરિલ્લાને મળવા માટે ત્યાં ગઈ છે.
અંજુએ વીડિયોના માધ્યમથી કહ્યું છે કે, ‘હું દરેક દેશ વાસીઓને સંદેશ આપવા માંગુ છું કે હું અહીં કાયદેસર રીતે આવી છું, આ ખાલી બે દિવસની વાત નથી, હું મારા પ્લાનિંગ સાથે જ અહીં આવી છું. અંજુએ વધુમાં કહ્યું કે, ‘હું અહી એક દમ સુરક્ષિત છું, મને અહીં કોઈ સમસ્યા નથી, હું બે-ત્રણ દિવસમાં પાછી આવી રહી છું, એ પણ જેમ હું આવી હતી એવી જ રીતે પાછી આવવાની છું.
આ સાથે વધુમાં અંજુ વીડિયો દ્વારા વિનંતી કરી છે કે કોઈ તેના પરિવાર બાળકોને તેના જવાના કારણે હેરાન ના કરે. સાથે સાથે મીડિયાને પણ વિનંતી કરી છે કે મહેરબાની કરીને મારા સંબંધીઓ અને મારા બાળકોને હેરાન-પરેશાન ના કરશો, તમારે જે કંઈ પણ પુછવું હોય તે મને પુછો.
અંજુના પાકિસ્તાન જવા પર તેના પતિએ શું કહ્યું?
અગાઉ, અંજુના પતિ અરવિંદે જણાવ્યું હતું કે, ‘અંજુ 21 જુલાઈના રોજ ઘરેથી જયપુર જવાનું કહીને નીકળી હતી. ત્યાર પછી અમે વોટ્સએપ પર વાત કરતાં હતા. 23 જુલાઈની સાંજે જ્યારે પુત્રની તબિયત બગડી ત્યારે અંજુને પૂછવામાં આવ્યું કે તે ક્યારે આવશે. ત્યારે અંજુએ કહ્યું કે હું પાકિસ્તાનમાં છું ને જલ્દી પાછી આવીશ.’
અરવિંદે કહ્યું, ‘અંજુએ પાકિસ્તાન જવાની કોઈને ખબર પણ ન પડવા દીધી, જયપુર જવાનું કહીને જ તે ગઈ હતી. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે તેમને ખબર હતી કે અંજુનો ઘણા સમય પહેલા પાસપોર્ટ બની ગયો હતો.’
અરવિંદ વધુમાં કહ્યું કે, ‘હું 40 વર્ષનો છું અને અંજુ લગભગ 35 વર્ષની છે. અમે બંને મૂળ યુપીના છીએ. પરંતુ, છેલ્લા ઘણા સમયથી ભીવાડીમાં રહીએ છીએ.’ તેમણે તેમના લગ્નની વાત કરતાં કહ્યું કે ‘અમારા લગ્ન વર્ષ 2007માં થયા હતા. અત્યારે અમારા બે બાળકો છે. મોટી દીકરી 15 વર્ષની છે અને એક નાનો દીકરો છે, બંને સ્કૂલે જાય છે.’
અરવિંદ તેના અભ્યાસની વાત કરતાં કહ્યું કે તે બારમા સુધી ભણ્યો છે અને અંજુ દસમું પાસ છે. આ સાથે કામ ધંધાની વાત કરતાં અરવિંદે કહ્યું કે અંજુ ભીવાડીમાં જ એક કંપનીમાં કામ કરે છે અને હું પણ નજીકની બીજી કંપનીમાં કામ કરું છું.’
આ પણ વાંચો: ‘જો હું પાકિસ્તાન પાછી જઈશ તો મને મારી નાખશે’, આટલુ બોલીને સીમા હૈદર રડી પડી