રાજ્યભરમાં તા.14 થી 30 જાન્યુઆરી સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયું’ ઉજવાશે
ગાંધીનગર, 12 જાન્યુઆરી : રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી તા.૧૪ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયા’ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, રાજ્યની પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને સંબંધિત નાગરિકો દ્વારા બિમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ, વંઘ્યત્વ નિવારણ કેમ્પ એંટીરેબીસ કંટ્રોલ પ્રોગ્રામ તથા તાલીમ શિબિર જેવા પ્રાણી કલ્યાણના વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ પખવાડીયા દરમિયાન ‘ઓક્સીટોસીન’ ઇંજેક્શનના દુરૂપયોગ બાબતે લોક જાગૃતી કેળવવી, મોટા પ્રમાણમાં પક્ષીઓ માટે સાનુકુળ વૃક્ષો જેવા કે જાંબુ, લીમડો, પીપળ, શીમળના વાવેતર માટે નાગરિકોને અનુરોધ કરાશે. પશુ પક્ષીઓને પુરતા પ્રમાણમાં ખોરાક અને પાણી મળી રહે તે માટે માટીના વાસણ-કુંડાનું વિતરણ કરાશે.
આ ઉપરાંત સમગ્ર પખવાડિયા દરમિયાન જનજાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન કરીને શાળા, કોલેજ, કન્યા કેળવણી મંડળો તેમજ ગ્રામ પંચાયતો અને નગરપંચાયતો તરફથી પ્રાણી કલ્યાણ અને પ્રાણી પ્રત્યે પ્રેમ, દયા વિશે ચર્ચાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ પણ યોજાશે.
ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા જનજાગૃતિ માટે વિવિધ પોસ્ટરો છપાવવા ઉપરાંત પ્રાણી કલ્યાણ પખવાડિયા દરમિયાન ગ્રામ્ય કક્ષાએ યોજાતી શિબિરો દરમિયાન ગૌવંશ હત્યાના પ્રતિબંધ ધારો અમલમાં છે તેની જનજાગૃતિ કેળવવા માટે પ્રચાર કરાશે.
ABC રૂલ્સ-૨૦૨૩ના ચુસ્ત અમલીકરણ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થા સાથે સંકલન કરી એનીમલ બર્થ કન્ટ્રોલ પ્રોગ્રામના અમલીકરણ દરમ્યાન શ્વાનો પર ક્રુરતા ન થાય તે બાબત અંગે ધ્યાન રાખવા સૂચના આપવી તેમ યાદીમાં વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો :- દ્વારકામાં થયેલી દબાણ હટાવ કામગીરી સબબ ગૃહ રાજ્યમંત્રીને ધમકી? અજાણી પોસ્ટ વાયરલ