ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

અનિલ અંબાણીના પુત્રને SEBIએ ફટકાર્યો રૂ.1 કરોડનો દંડ, જાણો કેમ?

મુંબઈ, 24 સપ્ટેમ્બર : એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.  માર્કેટ રેગ્યુલેટર સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ સંબંધિત કોર્પોરેટ લોનના મામલામાં આ કાર્યવાહી કરી છે. માત્ર અનમોલ અંબાણી જ નહીં પરંતુ માર્કેટ રેગ્યુલેટરે રિલાયન્સ હોમ ફાઈનાન્સના ચીફ રિસ્ક ઓફિસર પર દંડ ફટકાર્યો છે.

રૂ.20 કરોડની કોર્પોરેટ લોન સંબંધિત કેસ 

ઈન્ડિયા ટુડે પર પ્રકાશિત અહેવાલ મુજબ, ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) એ સોમવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીને રિલાયન્સ હોમ ફાઈનાન્સ કેસમાં મોટો દંડ ફટકાર્યો છે.  સેબીએ જણાવ્યું છે કે રિલાયન્સ હોમ ફાઇનાન્સના બોર્ડમાં ફરજ બજાવતા અનમોલ અંબાણીએ કંપનીના બોર્ડ તરફથી આવી લોન મંજૂરીઓ રોકવા માટે સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં કોર્પોરેટ લોનને મંજૂરી આપી હતી. માર્કેટ રેગ્યુલેટર અનુસાર, તે પ્રકાશમાં આવ્યું છે કે 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ, અનમોલ અંબાણીએ એક્યુરા પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડને 20 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી.

નિયમોનો ભંગ કરવો મોંઘો સાબિત થયો

સેબીએ કહ્યું છે કે રિલાયન્સ હોમ ફાઇનાન્સની કોર્પોરેટ લોન સંબંધિત આ મામલે અનમોલ અંબાણીએ નિયમોનું પાલન કર્યું નથી અને તેથી જ તેમના પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે રેગ્યુલેટરે એમ પણ કહ્યું કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી નથી. ખાસ વાત એ છે કે આ લોનને અનમોલ અંબાણીએ એવા સમયે મંજૂરી આપી હતી, જ્યારે માત્ર ત્રણ દિવસ પહેલા એટલે કે 11 ફેબ્રુઆરી 2019ના રોજ રિલાયન્સ હોમ ફાઇનાન્સના બોર્ડે તેની બેઠકમાં મેનેજમેન્ટને GPCL લોન ન આપવાનો નિર્દેશ આપ્યો હતો.

45 દિવસમાં દંડ જમા કરાવવાનો રહેશે

માર્કેટ રેગ્યુલેટર સેબીએ અનમોલ અંબાણી અને રિલાયન્સ હાઉસિંગ ફાયનાન્સના ચીફ રિસ્ક ઓફિસર કૃષ્ણન ગોપાલક્રિષ્નન પર 15 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.  રિપોર્ટ અનુસાર, સેબીની સત્તાવાર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણી અને કૃષ્ણન ગોપાલકૃષ્ણન બંનેને 45 દિવસની અંદર પોતપોતાના દંડની ચુકવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આજે શેર પર અસર જોવા મળી શકે છે! 

આ સમાચારની અસર મંગળવારે રિલાયન્સ હોમ ફાઇનાન્સના શેર પર પણ જોવા મળી શકે છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સ શેર છેલ્લા કેટલાક દિવસોથી જબરદસ્ત ગતિએ ચાલી રહ્યો છે. સોમવારે, છેલ્લા ટ્રેડિંગ દિવસે, અનિલ અંબાણીના આ શેરે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ અપર સર્કિટ કરી હતી અને તે 4.79 ટકાના વધારા સાથે રૂ.4.59 પર ટ્રેડ કરી રહ્યો હતો.

Back to top button