ઢોર નિયંત્રણ કાયદા મામલે ઢીલી નીતિથી માલધારી સમાજમાં રોષ, મહાપંચાયત સમિતિની રવિવારે બેઠક
ગુજરાત માલધારી સમાજ ફરી એક વખત રણે ચડવા સજ્જતા કેળવી રહ્યું હોય તેવી વિગતો સામે આવી રહી છે. ઢોર નિયંત્રણ કાયદા મામલે ગુજરાતનો માલધારી સમાજ સરકાર સામે લડી લેવાનાં મૂડમાં જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા એકત્રીત વિરોધ કરી રહેલા ગુજરાત માલધારી સમાજને ઢોર નિયંત્રણ કાયદા બાબતે સરકારે બાંહેધરી આપી હતી તે મુજબ ગુજરાત સરકાર દ્વારા 15 દિવસમાં નિર્ણય ન લેતા માલધારીમાં રોષ જોવામાં આવી રહ્યો છે અને ગુજરાતમાં કડક ઢોર નિયંત્રણ કાયદાની અમલાવરી રોકવા સહિત ખાસ તો કાયદાને નાબૂદ કરી દેવા માટે ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિની રવિવારે બેઠક મળવા જઇ રહી છે.
ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં માલધારી સમાજનાં આગેવાનો ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિની રવિવાર યોજાનારી બેઠકમાં હાજરી આપી સરકારને ફરી પોતાની વાત મનાવવા માટેની રણનીતિ ધડશે. આપને જણાવી દઇએ કે ગુજરાતમાં રખડતા ઢોર મામલે અને ખાસ કરીને ગુજરાતના શહેરી વિસ્તારોમાં રખડતા ઢોર દ્વારા અકસ્માતને કારણે અનેક લોકોના જીવ જતા હોવાનાં કારણે સામાન્ય લોકોમાં વ્યાપક ફરિયાદ હતી અને આનું કડક કાયદા દ્વારા નિયંત્રણ લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો હતો અને કાયદાનાં કડક અમલ સામે સમગ્ર ગુજરાતનાં માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાંબા પ્રદર્શન બાદ સરકાર દ્વારા આ મામલે 15 દિવસમાં નિર્ણય કરવાની બહેધરી આપવામાં આવી હતી. 15 દિવસનો સમય વિતી ગયેલ હોય, હાલ પણ અનિર્ણિત આ મામલે માલધારી સમાજમાં રોષ જોવામા આવી રહ્યો છે.