નારાજગી : બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખનો રોડ રદ કરવાનો પત્ર વાયરલ
પાલનપુર : બનાસકાંઠામાં જિલ્લા ભાજપ પ્રમુખનો લેટરપેડ ઉપર લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે. આ પત્ર ત્રણ માર્ગોના જોબ નંબરને રદ કરી નાખવા માટે ભલામણ કરતો રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને ઉદેશીને લખવામાં આવ્યો છે. વિકાસની ચર્ચાઓ વચ્ચે જ આ પત્ર વાયરલ થતા લોકોમાં રોષ અને નારાજગી પ્રસરી છે.
ભાજપ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાં એક તરફ વિશ્વાસથી વિકાસની વાત લોકો સમક્ષ મૂકવા માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આવા સમયે જ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ વાઘેલાની સહી કરેલો પત્ર સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે. આ પત્ર તા. 5 ઓગસ્ટ ’22 નો લખાયેલો છે. જેમાં અગાઉ મંજૂર થઈ ગયેલા ત્રણ રોડના જોબ નંબરને તાત્કાલિક રદ કરી દેવા માટે ભલામણ કરવામાં આવી છે.
આ પત્ર રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને સંબોધીને લખાયેલો છે. જેમાં વર્તમાન ધારાસભ્યના વ્યક્તિગત અને સંબંધીઓના વ્યક્તિગત હિતને લઈને જે રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. તે રસ્તાઓના જોબ નંબરને તાત્કાલિક રદ કરી દેવા જણાવવામાં આવ્યું છે. આઝાદી બાદ આજે 75 વર્ષે આ રોડ મંજૂર થયા હતા. છતાં પણ રાજકીય સમીકરણોને ધ્યાનમાં લઈને જિલ્લા ભાજપ પ્રમુખે લેટરપેડ ઉપર લખીને ભલામણ કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
જેને લઈને આ રોડને જોડતા 20 ગામોના લોકોમાં અસંતોષ અને રોષની લાગણી વ્યક્ત થઇ રહી છે. જો આ રોડના જોબ નંબર રદ થઈ જાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ વિસ્તારમાં અસર થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. હાલમાં તો બનાસકાંઠા જિલ્લાના રાજકીય વર્તુળોમાં આ પત્ર ચર્ચામાં રહ્યો છે.
કયા ત્રણ માર્ગો રદ કરવા ભલામણ કરી
● રૂ. 360 લાખના ખર્ચે તૈયાર તમારો ચંડીસર નેશનલ હાઇવે થી ગુરુકૃપા હોટલ પાસેથી કોટડા રોડ
● રૂ.265 લાખના ખર્ચે તૈયાર થનારો ચંડીસર જીઆઇડીસી થી મોટા રસાણા ને જોડતો માર્ગ.
● રૂ. 360 લાખના ખર્ચે તૈયાર તમારો વાઘણા થી મડાણા- ચંડીસરને જોડતો માર્ગ.