કલોલના પૂર્વ વિસ્તારમાં ગટરો ઉભરાતાં સ્થાનિકોમાં રોષ, નગરપાલિકાને કરી રજૂઆત
કલોલ શહેરના રેલ્વે પૂર્વ વિસ્તારમાં ગટર ઊભરાવવાની સમસ્યાથી સ્થાનિકો કંટાળી ગયા છે. કલોલમાં અવારનવાર કોલેરાનો રોગચાળો ફાટી નીકળતો હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે રેલવે પૂર્વ વિસ્તારના રહીશોએ કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા તેમજ ગંદકી દૂર કરવા રજૂઆત કરી હતી.
કલોલમાં છેલ્લા કેટલાક વર્ષથી કોલેરા રોગચાળો ફાટી નીકળે છે. આમ છતાં પાલિકા તંત્ર દ્વારા રોગચાળો રોકવા માટે કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં અત્યારે ગટરો ઉભરાવાની સમસ્યા ઉદ્ભવી છે. પૂર્વ વિસ્તારમાં આવેલ વાલ્મિકી વસાહત, માધુપુરા રોડ, ડૉ.બાબાસાહેબ આંબેડકર આરોગ્ય સંકુલ, ચંદ્રલોક સોસાયટી, પ્લોટ વિસ્તાર, મજુર હાઉસિંગ સોસાયટી તેમજ છાપરા વિસ્તારમાં કેટલાય સમયથી ગટર ઉભરાઈ રહી છે. આમ અવાર નવાર ગટરો ઉભરાતાં ત્યાંના જાહેર માર્ગો પર ગટરનું ગંદુ પાણી ફરી વળે છે.
આ પણ વાંચો: રાજ્યમાં ક્યારે ઘટશે વરસાદનું જોર ? જૂઓ હવામાન વિભાગે શું કરી આગાહી
ગટરના પ્રદુષિત પાણીને કારણે સ્થાનિકોના આરોગ્ય પર ગંભીર અસરો જોવા મળતી હોવાથી તંત્રને અનેક વાર રજૂઆતો કરી ચુક્યા છે. સ્થાનિકો નગર પાલીકા સામે પ્રદુષિત પાણીને લઈને રોગચાળો ફાટી નીકળે છે તેવી વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં ન ભરતાં એવી ચર્ચા કરી રહ્યા છે કે શું રોગચાળો ફરી ફાટી નીકળશે ત્યારે પાલિકા જાગશે કે શું? ગટરો ખુલ્લી હોવાથી સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે. સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરીને ખુલ્લી ગટરો ઢાંકવા માટે ઉગ્ર રજૂઆત કરી છે. પલિકા તંત્ર આ રજૂઆતને ધ્યાને લઈને ઝડપથી કામગીરી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.
આ પણ વાંચો: મહેસાણામાં ગ્રામપંચાયતના તેમજ ખેડૂતોના બોરના કેબલ ચોરી કરતો ચોર ઝડપાયો