ગોંડલની મેંગણી પોસ્ટ ઓફીસમાં રૂ.9.97 કરોડનું કૌભાંડ


ગોંડલ ડિવિઝનલ પોસ્ટ ઓફિસની તાબા હેઠળ આવતી મેંગણી પોસ્ટ ઓફિસના બચત ખાતાઓ તથા દૈનિક વ્યવહારોમાં ગડબડ કરીને રૂ.9.97 કરોડની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ ગાંધીનગર સીબીઆઈમાં નોંધાઈ છે. ગોંડલ નોર્થ ડિવિઝનલ પોસ્ટ ઓફિસના અધિકારીએ યશવંત બી. જોશી, હેમાંગ ભૂપત વ્યાસ, કાંતિલાલ એન. ટાંક સહિત 13 જણા સામે ફરિયાદ કરી છે. જેમાં ગાંધીનગર સીબીઆઈ દ્વારા કાવત્રુ રચીને સરકાર દ્વાર ઠગાઈ, લાંચ રૂશ્વતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.

સીબીઆઈ દ્વારા તપાસ
મળતી માહિતી મુજબ, ગોંડલ ડિવિઝનલ પોસ્ટ ઓફિસ દ્વારા ગાંધીનગર સીબીઆઈમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. મેંગણી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર પરસોતમ એ. ભલ્લા તથા તેના સાગરિતો દ્વારા તા.16-10- 2019થી તા.21-11-2022 સુધીમાં દૈનિક વ્યવહારોમાં યુટિલિટી ટૂલ દ્વારા મેન્યુઅલી નકલી ચુકવણી અપલોડ કરીને જૂના કેવીપી વ્યાજના હેડમાં સુધારો કરતા હતા. તેમજ જરૂરી વાઉચરો એકાઉન્ટ ઓફિસ ગોંડલમાં મોકલવામાં આવતા નહોતા.
તત્કાલીન પોસ્ટ માસ્તરે કર્યો હતો આપઘાત
આ ઉપરાંત પોસ્ટ ઓફિસની રોકડ રકમ પોતાની પાસે રાખવામાં આવતી હતી અને ઓફિસમાં કામ કરતા પરિવારના સભ્યો તથા ગ્રામીણ ડાક સેવકોના સેવિગ્સ ખાતામાં ટ્રાન્સફર કરીને કુલ રૂ. 9,97,80,064 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન સબ પોસ્ટ માસ્ટર પરશોતમભાઈ ભલ્લાએ તપાસ ચાલતી હતી ત્યારે એટલે કે, તા.21-11-2022ના રોજ આત્મહત્યા કરી લીધી હતી.જેથી પોસ્ટ વિભાગ દ્વારા મેંગણી પોસ્ટ ઓફિસના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ સામે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.