કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં આંગણવાડીની બહેનોની બે દિવસ હડતાળ, મહિને 26 હજાર પગારની માંગ

રાજકોટ, 16 ફેબ્રુઆરી 2024, વડોદરામાં કામદારોએ આજથી સરકાર સામે બાંયો ચઢાવી છે. બીજી તરફ લઘુતમ વેતન ચૂકવવા ઉપરાંત કાયમી કરવા સહિતની માંગોને લઈને ગુજરાતમાં આંગણવાડીની એક લાખ જેટલી બહેનો આજથી બે દિવસ હડતાળ પર ઉતરી છે.આજે સવારથી જ રાજકોટના જ્યુબિલી ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઈ હતી અને લઘુતમ વેતન ચૂકવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.આ બહેનોએ આંગણવાડી સદંતર બંધ કરવાની સાથે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આંગણવાડી બંધ રહેતા આજથી બે દિવસ 62,000 ભૂલકાંઓનું ભણતર બગડશે.

આંગણવાડીની બહેનો વિશાળ રેલી કાઢી વિરોધ નોંધાવશે
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર રિજિયન મહામંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રમુખ સંગીતાબેન દવેએ મીડિયા સામે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 2,500 જેટલી આંગણવાડી છે. જેમાં આંગણવાડી વર્કર અને હેલ્પર સહિત 5 હજારથી વધુ બહેનો આજથી 2 દિવસની હડતાળ પર છે. રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં 62,000થી વધુ બાળકો છે પરંતુ આજથી 2 દિવસ આંદોલનને કારણે આંગણવાડી બંધ રાખવામાં આવી છે. બહેનોને લઘુતમ વેતન દર આપવા ઉપરાંત પગાર વધારા સહિતની માંગને લઈને આજે રાજકોટ શહેરના જ્યુબિલી મેદાન ખાતે બહેનોએ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ નોંધાવ્યો હતો.શનિવારે રાજકોટમાં આંગણવાડી બહેનો વિશાળ રેલી કાઢી વિરોધ નોંધાવશે.

લઘુતમ વેતન ધારા મુજબ રૂ. 26,000 ચૂકવવામાં આવે
તેમણે મૂખ્ય માંગણીઓ અંગે જણાવ્યું હતું કે, આજે વધતી જતી મોંઘવારીમાં બહેનો માટે જીવન નિર્વાહ ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તેલના ડબ્બા, ગેસના બાટલાના વધતાં ભાવ, સ્કૂલની ફી વધતાં મુશ્કેલી ભોગવવી પડી રહી છે. આંગણવાડી બહેનોને લઘુતમ વેતન આપવામાં આવે, કાયમી કરવામાં આવે. ESI અને પ્રોવિડન્ટ ફંડના લાભો આપવામાં આવે. રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારનું પ્રમોશન આપવામાં આવ્યું નથી, જેથી આ પ્રમોશન આપવામાં આવે. હેલ્પર અને વર્કરનો 50 ટકા રેશિયો છે, જે વધારી 75 ટકા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આંગણવાડી વર્કર બહેનોને હાલ મહિને રૂ. 10,000 વેતન ચૂકવવામાં આવે છે, જ્યારે હેલ્પર બહેનોને રૂ. 5,500 ચૂકવવામાં આવે છે. અમારી માંગણી છે કે, લઘુતમ વેતન ધારા મુજબ રૂ. 26,000 ચૂકવવામાં આવે.

લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી
તેમણે વધુમાં કહ્યું હતું કે, 2022માં 3 દિવસની હડતાલ પાડી હતી ત્યારે રાજ્ય સરકારે રૂ. 2,200નો વધારો આપ્યો હતો. જેથી કેન્દ્ર સરકાર પગાર વધારો આપે તે ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા હતા કે, મારી બહેનો એક ટપાલ લખશે એટલે તેમનો આ ભાઈ હાજર થઈ જશે. જોકે અમે ટપાલ અને ઇ- મેલ કરી થાકી જઈએ છીએ છતાં જવાબ મળતો નથી. વડાપ્રધાન વિદેશમાં જાય છે, ત્યારે વિદેશમાં નાના કર્મચારીઓને વધુ પગાર ચૂકવવામાં આવે છે, ત્યારે એ સિસ્ટમ ગુજરાતમાં અપનાવવી જોઇએ. અહીં પણ નાના કર્મચારીઓને લઘુતમ વેતન ચૂકવવામાં આવે તેવી અમારી માંગણી છે. જો સરકાર દ્વારા કોઈ નિણર્ય લેવામાં નહિ આવે તો આંગણવાડી સદંતર બંધ કરશું અને આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃખેડૂત આંદોલનની અસરઃ વડોદરામાં કામદારોની રેલી, સુરતમાં ખેડૂતોની અટકાયત

Back to top button