અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું જામનગરમાં ત્રી દિવસીય પ્રિ વેડિંગ થશે, અનેક સ્ટાર્સ અને હસ્તીઓ જોડાશે
જામનગર, 22 ફેબ્રુઆરી : એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના ત્રીદિવસીય પ્રિ-વેડિંગ સમારોહનું ગુજરાતમાં આયોજન કરવામાં આવશે. આ માટે જામનગરના રિલાયન્સ ગ્રીન ખાતે 1લીથી 3જી માર્ચ દરમિયાન ભવ્ય સંગીત સમારોહ યોજાવા જઈ રહ્યો છે. અનંત અંબાણી બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્ન આ વર્ષના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક છે.
ગુજરાતના જામનગરમાં ભવ્ય કાર્યક્રમ
મળતી માહિતી મુજબ, જામનગરની રિલાયન્સ ટાઉનશીપમાં પ્રિ-વેડિંગનું આયોજન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટરો પધારશે. મહેમાનો માટે હોટેલ બુક કરવામાં આવી છે અને મોટાભાગના મહેમાનોને રિલાયન્સ ટાઉનશીપમાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટરો મુંબઈથી હવાઈ માર્ગે જામનગર પહોંચશે, જ્યાંથી તેમને રિલાયન્સ ટાઉનશિપ લઈ જવામાં આવશે. અનંત અંબાણી અને રાધિકાના લગ્ન 12 જુલાઈએ મુંબઈમાં થશે. તે પહેલા અંબાણી એસ્ટેટ ખાતે 1લી થી 3જી માર્ચ એમ ત્રણ દિવસ માટે પ્રી-વેડિંગનું આયોજન કરવામાં આવશે.
વિશ્વભરમાંથી મહેમાનો એકત્ર થશે
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં હાજરી આપવા માટે આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ જામનગર આવશે. તેથી જ જામનગરને શણગારવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, મુંબઈમાં મુકેશ અંબાણીના એન્ટિલિયા ખાતે એક ઑફિશિયલ ફંક્શન પણ યોજાશે. પરંતુ મીડિયાને તેનાથી દૂર રાખવામાં આવશે. નોંધનીય છે કે અનંત અને રાધિકાની સગાઈ 2022માં રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.
અંબાણી પરિવારનો જામનગર સાથે જુનો સંબંધ છે
ગુજરાતમાં 1 માર્ચથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થશે. આ ફંક્શનમાં અરિજીત સિંહ, પ્રીતમ જેવા બોલિવૂડ સ્ટાર્સ પરફોર્મ કરશે. પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર શહેર પસંદ કરવાનું એક ખાસ કારણ છે, અંબાણી પરિવારનો આ શહેર સાથે લાંબો નાતો છે. જામનગરમાં અંબાણી પરિવારનું જૂનું રહેઠાણ પણ છે.