ગુજરાતમધ્ય ગુજરાત

આણંદની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ, પુરુષ વોર્ડમાં દર્દીનો પગ કોતરી ખાધો

Text To Speech

આણંદ, 9 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં સરકાર દ્વારા દર્દીઓને સુવિધા અને સારી સારવાર મળે તે માટે સરકારી હોસ્પિટલોમાં સવલતો ઉભી કરવામાં આવે છે. ત્યારે આણંદની સિવિલ હોસ્પિટલમાં વધી રહેલા ઉંદરના ત્રાસથી તંત્રએ આંખ આડા કાન કર્યાં છે. જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ઉંદર કરડી જતા હોવાની ઘટના બની છે. હોસ્પિટલના પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો હોવાથી અન્ય દર્દીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે.

દર્દીઓ ઉંદરના ડરને કારણે રાત્રે ઉજાગરા કરી રહ્યાં છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદ જનરલ હોસ્પિટલમાં દાખલ 78 વર્ષીય ભાઈલાલ ભાઈનો પગ ઉંદરે કોતરી ખાતા અન્ય દર્દીઓમાં ભય ફેલાયો છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ ઉંદરના ડરને કારણે રાત્રે ઉજાગરા કરી રહ્યાં છે. હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓની ફરિયાદ ધ્યાને લેતો નથી. દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધા બાદ સમગ્ર હોસ્પિટલમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યાં
હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓએ મીડિયાને કહ્યું હતું કે, હોસ્પિટલનું તંત્ર કોઈ બાબતે ધ્યાન આપતું નથી. દર્દીઓની કાળજી લેવામાં આવતી નથી. જનરલ હોસ્પિટલના ICU માં કબૂતરના માળા જોવા મળી રહ્યાં છે. મીડિયાના સવાલો સામે હોસ્પિટલના RMO પણ મૌન સેવી રહ્યાં છે. આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યાં છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું કે હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં તમામ જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે.

આ પણ વાંચોઃતમારા છોકરા પર જોખમ છે વિધિ કરવી પડશે કહી મદારીઓએ લાખોના દાગીના લૂંટ્યા

Back to top button