ભગવાન જગન્નાથજીના ભક્તો માટે આનંદના સમાચાર છે. કોરોના મહામારીને કારણે સતત બે વર્ષથી મર્યાદિત રૂપમાં યોજાતી રથયાત્રા આ વખતે રંગેચંગે ઉજવાય તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. 1 જુલાઈ 2022એ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા પરંપરાગત રીતભાત સાથે આયોજીત કરવામાં આવશે. કારણ કે આ વર્ષે કોરોના કેસો નહિવત્ છે ત્યારે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા ભજન મંડળી, અખાડા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતાં ટ્રકો સાથે નીકળશે.
વૈશાખ સુદ ત્રીજ મંગળવારે થશે રથપૂજન
મંગળવારે વૈશાખ સુદ ત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથનું પૂજન મંદિરના મહંત ટ્રસ્ટીઓ અને સાધુ સંતોની હાજરીમાં કરવામાં આવશે.
પુરીની તર્જ પર અમદાવાદમાં રથપૂજનની પરંપરા
મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે મંગળવારે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજનો દિવસ છે. રથયાત્રા પહેલા ત્રણેય રથનું પૂજન કરવામાં આવે છે. પુરીમાં આ રથના પૂજનની પરંપરા રહેલી છે તેમ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથજીના રથ પૂજન કરવામાં આવે છે. વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના એમ ત્રણેય રથનું પૂજન કરાશે.
મંગળવારે સવારે 8.30 કલાકે યોજાશે રથપૂજન, કોઈ રાજનેતાને આમંત્રણ નહીં
મંગળવારે સવારે 8.30 વાગ્યે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, સાધુ સંતો સેવકો અને લોકોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવશે. આ રથ પૂજનમાં કોઈ રાજકીય નેતા હાજર રહેશે નહીં. રથ પૂજન બાદ રથનું સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી કરવામાં આવશે. 14 જૂને જળયાત્રા યોજાશે જેમાં રાજ્યના મંત્રીઓ હાજર રહેશે.
પહેલીવાર ભૂપેન્દ્ર પટેલ કરશે પહિંદવિધિ
ઉલ્લેખનીય છે કે રાજ્યનો રાજા ભગવાન જગન્નાથજીના રથની પહિંદવિધિ કરતા હોય છે. સદીઓથી ચાલતી આ પરંપરા મુજબ સોનાની સાવરણીથી રથની સફાઈ કરતા હોવાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રી પહિંદવિધિ કરીને રાજ્યની સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિ માટે જગતના નાથને પ્રાર્થના કરતા હોય છે. ત્યારે નવી સરકાર રચાયા બાદ પહેલી રથયાત્રા હોવાથી આ વર્ષે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરતા જોવા મળશે.
સુશોભિત ટ્રકો, હેરતઅંગેજ અખાડાઓ અને હાથી-ઘોડા-પાલખી જગાવશે આકર્ષણ
આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે હાથી, અખાડા, ભજન મંડળી તેમજ શણગાર કરેલી ટ્રકો સાથે નીકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તોની હાજરીમાં નીકળશે અને લોકો ભગવાનના દર્શન કરી શકશે. 14મી જૂને ભગવાનની જળયાત્રા યોજાશે અને 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે તેવું મંદિરના સૂત્રો તરફથી જાણવા મલી રહ્યું છે.
2021માં ત્રણ કલાકમાં જ પૂરી કરી હતી રથયાત્રા
કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા મંદિર પરિસરની બહાર કાઢવામાં આવી ન હતી. માત્ર મંદિર પરિસરની અંદર જ ત્રણેય રથને ફેરવી અને આખો દિવસ પરિસરમાં જ દર્શનાર્થે મૂકી રાખવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2021માં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નિકાળવામાં આવી હતી. પરંતુ રથયાત્રા ભક્તોને જવાની છૂટ આપવામાં આવી નહતી. આ રથયાત્રા માત્ર હાથી અને ત્રણ રથ સાથે પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ત્રણ કલાકની અંદર જ રથયાત્રા મંદિર પરિસરમાં પરત ફરી હતી.