ડુપ્લીકેટ ડિગ્રી પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડતી આણંદ SOG
ગુજરાતમાં ડુપ્લીકેટ ડિગ્રી પર નોકરી અને વિદેશ જવાની વાત કોઈ નવી નથી. થોડા પૈસા અને થોડી ઓળખાણ હોય એટલે નોકરી પણ મળી જાય અને ડુપ્લીકેટ ડિગ્રી પર વિદેશ પણ જવા મળે છે ત્યારે આણંદ એસઓજી પોલીસે ડુપ્લીકેટ સર્ટિફિકેટના આધારે વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
આ પણ વાંચો : Exclusive : જાણો કેવી રીતે ચાલે છે ગુજરાતમાં નકલી ડિગ્રીનું કૌભાંડ!
મળતી માહિતી મુજબ આણંદ એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે ગઈ કાલે સાંજે ચાંગા ચારુસેટ યુનિવર્સિટી પાસે આવેલ પ્રાઇમ કોમ્પ્લેકસમાં રેડ કરી હતી, રેડ દરમિયાન પોલીસને દેશની જુદી જુદી યુનિવર્સિટીની શૈક્ષણિક સંસ્થાના ડુપ્લીકેટ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. જેમાં 16 ઓરીજનલ મળી કુલ 189 ડુપ્લિકેટ સર્ટિફિકેટ આરોપી પાસેથી મળી આવ્યા હતા. એસઓજી પોલીસે આરોપી રોનક હિમાંશુ પંડયા (રહે. નરસંડા) ની અટકાયત કરી હતી જ્યારે અન્ય બે આરોપીઓ દેવેન્દ્ર પટેલ (રહે. આણંદ) અને નિસિથ (રહે. કારેલીબાગ વડોદરા) ની શોધખોળ શરૂ કરી દીધી છે. એસઓજી પોલીસે આરોપીની ઑફિસેથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, આઇફોન, બેન્કની પાસબુક, એટીએમ કાર્ડ અને ચેકબુક જપ્ત કરી કુલ 85000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો : અદાણીની પ્રોપર્ટીના ભાવ ડબલ કરવા જંત્રી વધારી : નૌશાદ સોલંકી
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ડુપ્લીકેટ ડિગ્રીની ખૂબ જ બોલબાલા છે અને આ ડુપ્લીકેટ ડિગ્રી મુખ્યત્વે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના કેટલાક રાજ્યો છે જ્યાંથી આ ડિગ્રી લાવવામાં આવતી હોય છે જેના આધારે નોકરી પણ મળે છે અને વિદેશ પણ લોકો જતાં હોય છે. આણંદ એસઓજી પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આ દિશામાં તેઓ વધુ તપાસ કરી રહ્યા છે અને રાજ્યવ્યાપી મોટું કૌભાંડ ખૂલે તેવી સંભાવનાઓ લાગી રહી છે.