આણંદ : કલેક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર કેતકી વ્યાસે 300 વિઘા કરતાં વધુ જમીન ખરીદી
આણંદ કલેકટર કચેરીના કલેકટરના વિવાદાસ્પદ વીડિયો મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. ત્યારે આ સમગ્ર ષડયંત્રની કાવતરાબાજ કેતકી વ્યાસને લઈને મોટો ખુલાસો થયો છે. કેતકી વ્યાસે લાંચની રકમથી 300 વિઘા કરતાં વધુ જમીનો ખરીદી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કેતકી વ્યાસે લાંચની રકમથી 300 વિઘા કરતાં વધુ જમીનો ખરીદી
કલેક્ટર ઓફિસમાં મહિલાને મોકલીને કલેક્ટર ડી.એસ ગઢવીને કાવતરામાં ફસાવનાર કેતકી વ્યાસને લઈને એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ વચ્ચે કટકીખોર કેતકી વ્યાસ અંગે વધુ એક મોટો ખુલાસો થયો છે. કેતકી વ્યાસે લાંચની રકમથી 300 વિઘા કરતાં વધુ જમીનો ખરીદી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.કેતકી વ્યાસ પહેલેથી જ અઠંગ ખેલાડી છે, તેના અનેક મોટા માથા સુધી છેડા લંબાયેલા છે. તે અગાઉ પણ અનેક કાંડ કરી ચૂકી છે.
સરપંચ સંગઠનના પ્રમુખ દીપક પરમારે કર્યો દાવો
સરપંચ સંગઠનના પ્રમુખ દીપક પરમારે આ અંગે મહત્ત્વના ખુલાસા કર્યા છે. દિપક પરમારે એવો દાવો કર્યો છે કે, ‘કેતકી વ્યાસ પાસે 300 વિઘા કરતા વધુ જમીન છે, કેતકી વ્યાસે અકલાચા ખાતે 3000 વાર કરતા વધુ જમીન ખરીદી હતી. જે જમીન ઉપર હાલમાં પેટ્રોલ પંપ કાર્યરત છે. અને આ પેટ્રોલપંપ પણ કેતકી વ્યાસના નામે જ હોવાનું જાણવા મળ્યું છે. કેતકી વ્યાસે પોતે ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન પોતાના નામે કરી લીધી હતી.
એટીએસ અને રેવન્યુ વિભાગને પુરાવા આપવાની તૈયારી બતાવી
દીપક પરમારના જણાવ્યા અનુસાર અકલાચા જમીન ખરીદી વાળી જમીનની ફાઇલ પણ હાલ ગાયબ થઇ ગઇ છે.આ સિવાય કેતકી વ્યાસે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોટાવડ ગામમાં ખેડૂત હોવાનો અકલાચામાં દાખલો આપી જમીન ખરીદી હતી. આ સાથે આ દાવા અંગે દિપક પરમારે જણાવ્યું કે, “હું એટીએસ અને રેવન્યુ વિભાગને વધારે પુરાવા આપીશ”.
આજે આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ
પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.જો કે પોલીસ પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થવાની પુરી શક્યતા છે. આ સમગ્ર પ્રકરણમાં જિલ્લાના એક મોટા નેતાની પણ સંડોવણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કેસના ત્રણેય આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરાયા હતા, પોલીસે અધિક કલેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જયેશ પટેલ અને વકીલ હરીશ ચાવડાને કોર્ટમાં રજુ કર્યા હતા.
જાણો કોણ છે કેતકી વ્યાસ
કેતકી વ્યાસ 2005થી મામલતદાર તરીકે કાર્યરત છે. તેને મહેમદાવાદ, બાવળામાં મામલતદાર તરીકે કામગીરી કરી છે. જ્યારે પ્રમોશન બાદ અમદાવાદમાં નાયબ કલેક્ટર તરીકે પણ રહી ચૂકી છે. આ સાથે તેને કડીમાં પ્રાંત અધિકારી તરીકે પણ ફરજ બજાવી છે. જાણકારી મુજબ કેતકી વ્યાસે 2010માં મહેમદવાદમાં 11 લોકોને ખેડૂત ન હોવા છતાં ખરાઈના દાખલા આપ્યા હતા. અને 13 વર્ષ છતાં હજુ મહેસૂલ વિભાગે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. આણંદમાં અધિક કલેક્ટર તરીકે 2021માં હાજર થયા છે.
આ પણ વાંચો : સુરતમાં મેયરને ગાડી છોડી મોટરસાઇકલ ઉપર બેસીને કેમ ભાગવું પડ્યું ?