આણંદઃ રેલવે પોલીસ માટે નિર્માણ પામેલા આવાસોનું ગૃહરાજ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ થયું
- આણંદ રેલવે પોલીસના કર્મચારીઓ માટે અંદાજિત રૂપિયા ૬ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાસભર ૪૦ આવાસોનું કરાયું નિર્માણ
- ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ આણંદ નવા બસસ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી
આણંદ, 22 ડિસેમ્બરઃ આણંદ શહેરના ગામડી વિસ્તારમાં પાધરીયા પ્રેસ રોડ પર આવેલી આણંદ રેલવે પોલીસ લાઇન ખાતે નિર્માણ પામેલા બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીએ તકતીનું અનાવરણ કરી આવાસોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કર્મચારીઓને ફાળવવામાં આવેલા આવાસો પૈકી ૧૦ કર્મચારીઓને પ્રતીકરૂપે મંચ પરથી મકાનની ચાવી અર્પણ કરી હતી.
આ લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ગુજરાત રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, પશ્ચિમ રેલવે, વડોદરાના પોલીસ અધિક્ષક સરોજ કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર, ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર, અગ્રણી રાજેશભાઇ પટેલ, રેલવે પોલીસ-ગુજરાત પોલીસના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આણંદ રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે અંદાજિત રૂપિયા ૬.૦૭ કરોડના ખર્ચે બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આવાસના મકાનમાં ૨ રૂમ, હોલ, કિચન, ફર્નિચર ઉપરાંત બિલ્ડિંગમાં લિફ્ટ, ફાયર સેફ્ટી, પાર્કિંગ, જનરેટર, બાળકો માટે રમત ગમતનાં સાધનો, બગીચો, ગેસ કનેક્શન જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
આણંદ નવા બસસ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લેતા ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી
આણંદ જિલ્લામાં નિર્માણ પામેલ પોલીસ આવાસના લોકાર્પણ પ્રસંગે આણંદ ખાતે પધારેલા ગુજરાતના ગૃહ રાજય મંત્રીહર્ષ સંઘવીએ લોકાર્પણ કાર્યક્રમ બાદ આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી. મંત્રી હર્ષ સંઘવીએ નવા બસ સ્ટેન્ડની મુલાકાત દરમિયાન મુસાફરો માટે બેસવાના બાંકડા, પીવાના પાણીની સુવિધા, પંખાની સુવિધા, સ્વચ્છતા સંદર્ભે શૌચાલયની સુવિધાની સાથે તેની સ્વચ્છતા જળવાઈ રહે તેમજ બસ સ્ટેન્ડ અને ત્યાં આવતી બસોની સફાઈ થાય છે કે કેમ તે સંદર્ભેની જાણકારી મેળવી પ્રવાસીઓને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે તાકિદ કરી હતી.
ગૃહ રાજય મંત્રીએ નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લઈ નિરીક્ષણ કરી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના અધિકારીઓને બસસ્ટેન્ડમાં તાત્કાલિક નવા બાકડાઓ મુકવા તથા જ્યાં પણ પંખા નથી ત્યાં નવા પંખા લગાવવા, શૌચાલયની સફાઈ થાય તે માટેની વ્યવસ્થિત સુવિધા તથા મુસાફરોને પીવાનું પાણી મળી તે માટેની સુદ્રઢ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા અને તેની આસપાસ નિયમિત સફાઈ રાખવા અંગે સૂચના આપી હતી.
(આજે રાષ્ટ્રીય ગણિત દિવસ છે. જાણો તેના મહત્ત્વ વિશે. નીચે વીડિયો પર લિંક કરો)
View this post on Instagram