વિદેશ જવાનો મોહ: આણંદનો એન્જિનિયર બોગસ વીઝાથી ન્યૂઝીલેન્ડ જતાં ઝડપાયો
આણંદ, તા. 18 નવેમ્બર, 2024: ગુજરાતીઓનો વિદેશ જવાની ઘેલછા જાણીતી છે. અમેરિકા અને કેનેડા બાદ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદગી છે. મુંબઈની સહાર પોલીસે બનાવટી વીઝાનો ઉપયોગ કરીને ન્યુઝીલેન્ડ જવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાતના વલ્લભ વિદ્યાનગરના રહીશ સિવિલ એન્જિનિયર સાગર શાહની ધરપકડ કરી હતી. વિદ્યાનગરની જ એજન્ટ પ્રિયા પટેલે સાગરને 50 હજાર રુપિયા લઈ વીઝા પેપર્સ આપ્યાં હતાં.
આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે નાના બજારમાં આવેલાં પદ્માવતી કોમ્પલેક્સમાં રહેતો 29 વર્ષનો સાગર શાહ ન્યૂઝીલેન્ડ જવા માટે મુંબઈ એરપોર્ટ આવ્યો હતો. તે હોંગકોંગ થઈને જતી ફલાઈટ પકડવા આવ્યો હતો. જો કે, ઈમિગ્રેશન તપાસ દરમિયાન એરપોર્ટ સત્તાવાળાઓને જાણવા મળ્યું હતું કે, સાગર પાસે હોંગકોંગથી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેનો બોર્ડિંગ પાસ નહતો. આ બાદ પૂછપરછ સમયે સાગરે દાવો કર્યો હતો કે, અમદાવાદથી મુંબઈની ફલાઈટ દરમિયાન અમદાવાદની એરલાઈને તેને અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી હોંગકોંગ આ બંનેને આવરી લેતા બોર્ડિંગ પાસ ઈશ્યુ કર્યા હતા.
વધુમાં તેણે કહ્યું હતું કે, હોંગકોગથી ન્યુઝીલેન્ડ માટેના બોર્ડિંગ પાસ મુંબઈ એરપોર્ટ પરથી કેથે પેસેફિક એરલાઈન પાસેથી એકત્રિત કરવાની સૂચના આપવામાં આવી હતી. સાગરના આ દાવા અંગે શંકા જતા ઈમિગ્રેશન અધિકારીઓએ તેના ન્યૂઝીલેન્ડના વીઝાની ઝીણવટભરી તપાસ કરી હતી. જેમાં ઈમિગ્રેશન અધિકારીઓને આ વિઝામાં કંઈક ચેડાં કરવામાં આવ્યા હોવાનું જણાયું હતં. આ બાદ વધુ તપાસ માટે ઈમિગ્રેશન અધિકારીઓએ કેથે પેસેફિક એરલાઈન્સનો સંપર્ક કર્યો હતો અને સાગરે જણાવેલ દાવા અંગે પૂછપરછ કરી હતી. જેમાં કેથે પેસેફિકે ન્યૂઝીલેન્ડના સંચાલન કરતી એરલાઈન્સને સંપર્ક કરીને આ અંગે પૂછપરછ કરતા સાગર પાસે રહેલા વીઝા બનાવટી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે આ રેકેટમાં અન્ય કોણ કોણ સંકળાયેલા છે તેની પૂછપરછ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ ઈઝરાયેલે લીધો નેતન્યાહુના ઘર પર હુમલાનો બદલો, હિઝબુલ્લાહના મીડિયા ચીફને કર્યો ઠાર