ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

આણંદ ચૂંટણી જંગ: જાણો આણંદ લોકસભા બેઠકની પરિસ્થિતિ, કેવો રહ્યો છે ભૂતકાળ?

2 મે 2024 આંણદ: 2024 લોકસભા ચૂંટણીમાં આણંદ લોકસભા બેઠક પર કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવા જઈ રહ્યો છે. જેમાંથી બે મુખ્ય પક્ષો ભાજપમાંથી મિતેશ પટેલ અને કોંગ્રેસમાંથી અમિત ચાવડા વચ્ચે સીધી ટક્કર થશે. તો આવો જાણીએ આણંદ લોકસભામાં કેટલી બેઠકોનો સમાવેશ થાય છે અને 2022 વિધાનસભામાં કયા પક્ષે કઈ બેઠક જીતી હતી. તેમજ 2019 માં બંને મુખ્ય પક્ષોના ઉમેદવાર કોણ હતા અને કેટલી લીડથી કોણ જીત્યું હતું

આણંદ લોકસભામાં 7 વિધાનસભાનો સમાવેશ
મધ્ય ગુજરાતમાં આવેલી આણંદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભાઓનો સમાવેશ થાય છે. જેમાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા તરીકે ઓળખાય છે. 2022 માં આ લોકસભાની 5 વિધાનસભા બેઠકો ભાજપ અને ખંભાત અને આકલાવ જેવી બે બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે 2019 લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે મિતેશ પટેલને નવા ઉમેદવાર તરીકે ટિકિટ અપાઇ હતી. અને સામે કોંગ્રેસમાંથી ભરત સોલંકી મેદાને હતા જેઓ હાર્યા હતા.

2019 માં મિતેશ પટેલ 1,97,718 લીડથી જીત્યા
2019 લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠકમાં હાર-જીતની લીડનાં અંતરની વાત કરીએ તો મિતેશ પટેલને 6,33,097 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ભરતસિંહ સોલંકીને 4,35,379 મત મળ્યા હતા. એટલે કે કુલ વોટના 57% મત ભાજપને મળ્યા અને 39.22% વોટ કોંગ્રેસને મળ્યા હતા. ત્યારે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ 1,97,718 મતોની લીડથી જીત્યા હતા.

1,13,509 નવા યુવા મતદારો મત આપશે
2024 લોકસભામાં ભાજપમાંથી મિતેશ પટેલને રીપીટ કર્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાને પાર્ટીએ નવા ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ અગાઉ 2014 લોકસભામાં કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી મેદાને હતા અને તેઓ ભાજપના ઉમેદવાર દિલીપ પટેલ સામે હાર્યા હતા. આણંદ લોકસભા બેઠક પર કુલ મતદારોની વાત કરીએ તો 2024 માં 17,68,851 કુલ મતદારો નોંધાયા છે. જ્યારે 2019 માં કુલ મતદારોની સંખ્યા 16,55,342 હતી. આ વખતે 1,13,509 નવા યુવા મતદારો મત આપશે

ભાજપમાંથી મિતેશ પટેલને બીજી વખત રીપીટ કરાયા
તો આ રીતે 2014 લોકસભા ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને ભાજપના દિલીપ પટેલ મેદાને હતા જેમાં ભાજપના ઉમેદવાર દિલીપ પટેલની જીત થઈ હતી. તેમજ 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવ ભરતસિંહ સોલંકી અને ભાજપમાં ઉમેદવાર મિતેશ પટેલ મેદાન હતા. જેમાં ભાજપના નવા ઉમેદવાર મિતેશ પટેલની જીત થઈ હતી. તેવી જ રીતે આ વખતે 2024 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી નવા ઉમેદવાર તરીકે અમિત ચાવડા અને ભાજપમાંથી મિતેશ પટેલને રીપીટ કરાયા છે. જ્યારે આ વખતે આણંદ લોકસભા બેઠક પર કોણ બાજી મારશે એ જોવાનું રહ્યું?

Back to top button