આણંદઃ ચૂંટણી અધિકારી-કર્મચારીઓને ઝાયડસ હોસ્પિટલમાં કેશલેસ સુવિધા મળશે
આણંદ, 2 એપ્રિલ: ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, તદઅનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં આગામી મે મહિનામાં ૭ મી તારીખના રોજ મતદાન યોજાનાર છે.
લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં ફરજ બજાવતા તમામ અધિકારી – કર્મચારીશ્રીઓના આરોગ્યની ચિંતા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જે અન્વયે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અને રાજ્ય ચૂંટણી પંચની લેખિત સુચના મુજબ આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ અધિકારીઓ/ કર્મચારીઓ કે જેમને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે, તેમને ચૂંટણી ફરજ દરમ્યાન કંઈ પણ આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો તેમને તાત્કાલિક આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સુવિધા અને તે પણ કેશલેસ સારવાર મળી રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદની ઝાયડસ હોસ્પિટલ સાથે એમ.ઓ.યુ. કર્યા છે.
આ એમ.ઓ.યુ. મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ના અનુસંધાને ચૂંટણી ફરજ પર રોકાયેલા તમામ મુલ્કી સ્ટાફ / પોલીસ કર્મચારી – અધિકારીશ્રી / કેન્દ્રીય – અન્ય રાજ્યના સુરક્ષા દળો તથા ચુંટણી ફરજ પરના ખાનગી સ્ટાફને કેસલેસ તબીબી સારવાર મળી રહેશે. જેને ધ્યાને લઈ લોકસભા સામાન્ય ચૂંટણીમાં રોકાયેલા ઉપર મુજબના કોઈપણ વ્યક્તિને તેમની ચૂંટણી ફરજ દરમ્યાન આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે સારવાર મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સારવાર દરમિયાન અધિકારી કર્મચારી કે અન્ય સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારનું શુલ્ક ચૂકવવાનું રહેતું નથી, તથા આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જે અધિકારી/કર્મચારીઓને ચૂંટણીમાં ફરજ સોંપવાના હુકમ કરવામાં આવ્યા છે, તેવા અધિકારી/કર્મચારીઓને ફરજના ભાગરૂપે ફરજ દરમિયાન આરોગ્ય લક્ષી સેવા મેળવવાની થશે તેવા કિસ્સામાં તેમના વતી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ રકમ ચુકવવામાં આવશે, તેમ પણ વધુમાં જણાવાયું છે.
આ પણ વાંચોઃ ચરોતર પ્રદેશની લોકસભાની પ્રથમ ચૂંટણીનો માહોલ કેવો હતો?