આનંદોઃ દેશના ઘણાં રાજ્યમાં ચોમાસાનું સમય કરતાં વહેલું આગમન
- હવામાન વિભાગે કહ્યું છે કે આગામી એક કે બે દિવસમાં દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, સિક્કિમ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ચોમાસુ ત્રાટકી શકે છે
દિલ્હી, 03 જૂન: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી હોવા છતાં દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારતમાં ચોમાસુ પગલા પાડી શકે છે. હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. જેના કારણે ચોમાસાનું નિર્ધારિત સમય કરતા વહેલું આગમન થઈ શકે છે. હાલમાં ચોમાસું કેરળ, કર્ણાટક, તમિલનાડુ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ભાગો તેમજ લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર સહિત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આગળ વધી ચૂક્યું છે. આ સિવાય ચોમાસું પૂર્વોત્તરના તમામ રાજ્યોમાં પણ પહોંચી ગયું છે.
એક-બે દિવસમાં દેશના અનેક રાજ્યોમાં થશે ભારે વરસાદ: IMD
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી એક-બે દિવસમાં ચોમાસું પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે. સામાન્ય રીતે, બિહારમાં ચોમાસાની એન્ટ્રીની તારીખ 10 જૂન હતી, પરંતુ તે લગભગ એક અઠવાડિયા પહેલા રાજ્યના પૂર્વ ભાગમાં આવી શકે છે. નવી સેટેલાઇટ ઇમેજરીના આધારે આજે (સોમવાર, 3 જૂન) જોવા મળેલી ચોમાસાની રેખા બંગાળમાં કૂચ બિહાર અને કિશનગંજની આસપાસનો વિસ્તાર છે.
કેરળ, આસામ અને મેઘાલયમાં ઓરેન્જ એલર્ટ
દરમિયાન, IMD એ આજે (03 જૂન 2024) કેરળ અને માહેમાં ભારે (64.5-115.5 mm) થી અતિ ભારે વરસાદ (115.5-204.4 mm) ની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. IMD એ આસામ અને મેઘાલય માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે અને કહ્યું છે કે 3 થી 5 જૂન વચ્ચે ભારે (64.5-115.5 mm) થી ખૂબ ભારે વરસાદ (115.5-204.4 mm) ની શક્યતા છે. વિભાગે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ માટે પણ સમાન ચેતવણી જારી કરી છે.
IMD એ નવીનતમ બુલેટિનમાં જણાવ્યું છે કે હાલમાં બે ચક્રવાતી નીચા દબાણ કેન્દ્રો રચાયા છે, જેના કારણે દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક ચક્રવાતી પરિભ્રમણ આસામના ઉત્તર-પૂર્વીય ભાગમાં ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં સક્રિય છે જ્યારે બીજું પરિભ્રમણ કેરળ અને તેની આસપાસ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાતી સ્થિતિને કારણે કેરળ, માહે અને કર્ણાટકના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં રવિવારે પણ ભારે વરસાદ નોંધાયો છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રવિવારે 111.1 મીમી વરસાદ નોંધાયો હતો, જે 133 વર્ષનો રેકોર્ડ બ્રેક આંકડો છે.
આગામી પાંચ દિવસમાં આ રાજ્યોમાં ભારે પવન તેમજ વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસમાં ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, દક્ષિણ કોસ્ટલ આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે છૂટાછવાયા સ્થળોએ વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અંદાજ છે. આગામી સાત દિવસો દરમિયાન ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, દક્ષિણ કોસ્ટલ આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા મેઘગર્જના સાથે વરસાદની અપેક્ષા છે. IMD અનુસાર, UP, MP અને છત્તીસગઢમાં પણ આગામી બે દિવસમાં ગરમીથી રાહત મળે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: ગરમી છે, તો બપોરે ઓર્ડર ન કરો, Zomatoની પોસ્ટથી લોકો ભડક્યા