આણંદના ખાનગી ફાર્મ હાઉસમાં જામી દારૂની મહેફિલ, 10 યુવતીઓ સહિત 25 નબીરાઓની ધરપકડ


રાજ્યમાં દારૂબંધીના મસ મોટા દાવા થતા રહે છે અને આવા દાવાઓ રોજબરોજ ખોટા પણ સાબિત થાય છે. ત્યારે ફરી એક વાર દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે. આણંદના આંકલાવ તાલુકાના માનપુરા ગામે પોલીસે દારૂની મહેફિલ માણતા ધનાઢ્ય પરિવારના 15 યુવકો અને 10 યુવતીઓ ઝડપી પાડી.
આંકલાવ તાલુકાના માનપુરા ગામે દારુની મહેફીલ
એક મહિલાએ તેના બર્થ ડે પર રિસોર્ટ બુક કરાવીને પાર્ટીનું આયોજન કર્યુ હતું. પાર્ટી માટે આંકલાવના નવાખલના ગ્રીનટોન ફાર્મ હાઉસ ભાડે રાખવામાં આવ્યું હતું. પોલીસે દારૂની પાર્ટીના રંગમાં ભંગ પાડીને 25 જેટલા યુવક અને યુવતીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા તમામ લોકો શ્રીમંત પરિવારના છે. આ તમામ નબીરા વડોદરા શહેરના રહેવાસી છે.
ધનાઢ્ય પરિવારના 15 યુવકો અને 10 યુવતીઓ ઝડપાઈ
પોલીસે દારૂના નશામાં ચકચુર 10 યુવતીઓ સહિત 25 લોકોની પોલીસે અટકાયત કરી છે. આ સાથે જ દારુની 10 બોટલો પોલીસે જપ્ત કરી લીધી છે. જેમાં 3 બોટલો ભરેલી, 5 બોટલો ખાલી અને 2 અડધી બોટલો પોલીસે જપ્ત કરી લીધી છે. ત્યારે પ્રોહિબિશનના ગુના અંતર્ગત આંકલાવ પોલીસે હાલ ગુનો દાખલ કરીને આ ઘટનાને લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.