કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં સફાઈ કામદારોએ હોબાળો કર્યો, શહેરમાં સફાઈ બંધ કરી દેવાની ચીમકી

Text To Speech

રાજકોટ, 31 જુલાઈ 2024, મહાનગરપાલિકા ખાતે આજે સફાઈ કામદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. સફાઈ કર્મચારીઓ દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી. તેમજ જય ભીમ અને હમારી માગે પૂરી કરો સહિતના નારાઓ લગાવીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી કરવા તેમજ અશક્ત હોય તેના સ્વૈચ્છિક રાજીનામાં મંજૂર કરવા સહિતની માગ કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની ચેમ્બર બહાર સફાઈ કામદારોએ હોબાળો કર્યો હતો.

સફાઈ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી
સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ મનોજ ખીમાણિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લાં 27 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરીને શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરાઈ રહ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયાં નથી. સફાઈ કામદારોનાં સ્વૈચ્છિક રાજીનામાં વિવિધ બહાને મંજૂર કરવામાં આવતાં નથી. તેમજ 300 જેટલા સફાઈ કામદારોને રહેમરાહે નોકરીમાં લેવામાં આવ્યા નથી. જેને લઈને તેમના પરિવારો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ કારણે આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં તમામ વોર્ડની સફાઈ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

સફાઈ કામદારોને સમજાવવા પણ પ્રયાસો શરૂ
મનપા કચેરી ખાતે ખૂબ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ એકત્ર થયા હતા. તેમજ કોપોરેશન કચેરીનાં પ્રાંગણમાં અને મ્યુનિ. કમિશનર ચેમ્બર આસપાસ મહિલા અને પુરુષ સફાઈ કામદારો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અધિકારીઓ અને શાસકોએ બેઠક કરીને આ મુદ્દે નિકાલ લાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતાં. તે ઉપરાંત સફાઈ કામદારોને સમજાવવા પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃરાજકોટના લોકમેળામાં સ્ટોલ ધારકો માટે 44 નિયમો, સોગંદનામું કરવું ફરજિયાત

Back to top button