

રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હસ્તકની ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આગામી તા. ૩ જુન ૨૦૨૨ના રોજ “બાયોટેકનોલોજીમાં કારકિર્દીના” માર્ગો વિષયક ઓપન ડે ઇવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં યુનિવર્સિટી ખાતે બાયોટેકનોલોજી ક્ષેત્રે ચાલતા વિવિધ અભ્યાસક્રમો સંદર્ભે માહિતી આપવામાં આવશે એમ જી.બી.યુ.ના નાયબ રજીસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં બાયોટેક્નોલોજીને લગતા કોર્સમાં સ્નાતક થયેલ વિદ્યાર્થીઓને જી. બી. યુ. ખાતે ચાલતા બાયોટેક્નોલોજીના અનુસ્નાતક (એમ.એસ.સી.) કોર્સ વિષે માહિતગાર કરવામાં આવશે. જેમાં બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં રહેલી કારકિર્દી અને વિકાસની તકો ઉપરની ચર્ચાઓ માટે ઉદ્યોગ જગત અને શિક્ષણ જગતના બાયોટેક નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાશે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં સ્થપાયેલ જી.બી.યુ. નવીનતા કેન્દ્રિત યુનિવર્સિટી છે જે સામાજિક પડકારોને સંબોધવા માટેના સંશોધન આધારિત અનુસ્નાતક અને ડૉક્ટરલ અભ્યાસક્રમો ચલાવે છે. જી.બી.યુ.એ યુનિક અભ્યાસક્રમ અને અનુવાદાત્મક સંશોધન વિકસાવવા માટે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, યુકે સાથે ભાગીદારી કરી છે. આ ઇવેન્ટ અંગેની વધુ માહિતી માટે યુનિવર્સિટીની વેબસાઈટ https://gbu.edu.in નો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.