ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ શરૂ, પદયાત્રી સેવા સંઘોનું રજીસ્ટ્રેશન કરવા ઓનલાઇન પોર્ટલ શરૂ કરાશે

  • ભાદરવી પૂનમના મહામેળાની તાડામાર તૈયારીઓ
  • અંબાજી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પદયાત્રી સેવા સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ
  • રજીસ્ટ્રેશન કરવા ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવશે

યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં લાખો માઈભક્તો દર્શન કરવા આવતા હોય છે અને તેમાં ખાસ કરીને લોકો પગપાળા સંઘ લઈને ચાલતા આવતા હોય છે.વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. 23થી 29 સપ્ટેમ્બર-2023 દરમ્યાન યોજાશે.આ મહામેળાને અનુલક્ષીને અંબાજી ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.


જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ અને પદયાત્રી સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આવનાર ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન સંઘો અને બીજા તમામ શ્રદ્ધાળુઓને દર્શન સહિત સુરક્ષા અને અન્ય તમામ સુવિધાઓ કોઈપણ અગવડ વગર મળી રહે તેનું આયોજન કરવા આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદાર સિધ્ધિ વર્મા, નાયબ પોલીસ અધિક્ષક ડૉ.જીજ્ઞેશ ગામીત, અંબાજી પોલીસ ઇન્સપેક્ટર ધવલ પટેલ સહિત કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ અને ભાદરવી પૂનમિયા સેવા સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

પગપાળા સંઘો માટે પોર્ટલ શરૂ કરાઈ
આ બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે,દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા સંઘોનું રજીસ્ટ્રેશન કરવા માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું.જેમાં પદયાત્રી સંઘોની નોંધણી, મંજૂરી અને માર્ગદર્શક સૂચનાઓ તેમજ સંઘોના વાહનોના પાસ પણ ઓનલાઇન આપવામાં આવશે. મેળામાં આવનાર સંઘના સીધા સામાન માટે માત્ર 1 જ વાહનને અંબાજીમાં પ્રવેશ માટે પાસ અપાશે. અને પદયાત્રી સંઘ માટે 4 વાહનપાસ પણ ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આવતા પદયાત્રી સંઘો અંબાજી મંદિરની આ વેબસાઇટ પર https://ambajibhadarviregistration.in/ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ઘેરબેઠા નોંધણી, મંજૂરી અને પાસ સહિતની સેવાઓનો લાભ મેળવી શકે તેવી સેવા આ પોર્ટલમાં આપવામાં આવી છે. જેનાથી અંબાજી પગપાળા આવતા સંઘોને અને વહીવટી તંત્ર ને સુવિધા અને સહુલિયત મળશે.આ સાથે વહીવટીતંત્ર એ યાત્રિકો માટે કરેલી વ્યવસ્થાઓ અને પોલીસ સુરક્ષાની માહિતી પણ સંઘોનાં સંચાલકોને આપવામાં આવી હતી અને સંઘો દ્વારા પોલીસ અને વહીવટી તંત્રને સાથ સહકાર આપવાની અપીલ કરાઇ હતી. સાથે જ જરૂરી સૂચનો પણ વહીવટીતંત્ર અને પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : અંબાજી બાદ હવે ગબ્બર પર્વત પર પ્રસાદીને લઈ સર્જાયો વિવાદ , જાણો સમગ્ર મામલો

Back to top button