પાવાગઢમાં દુર્ઘટનાને લઈને તપાસ શરુ, FSL અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી કરાશે તપાસ
ગઈ કાલે યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માચીમાં વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટી પડતા એકનું મોત થયુ હતુ અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આ મામલે તપાસ શરુ કરી હતી.
પાવાગઢ દુર્ઘટના અંગે તપાસ શરુ
પાવાગઢ દુર્ઘટનાને લઈને પોલીસના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. અને પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.જાણવા મળી રહ્યું છે કે પોલીસ FSL અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી તપાસ કરશે. આ તપાસમાં માર્ગ મકાન વિભાગ સહિત સંલગ્ન વિભાગો જાડાશે.
વિશ્રામ કુટીરના પથ્થરોના સેમ્પલ લેવામા આવશે
હાલ પાવગઢ દુર્ઘટના બાદ માચી પાસે બેરિકેટ લગાવી પ્રવેશબંધી કરવામાં આવી છે. અને હવે વિશ્રામ કુટીરના પથ્થરોના સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે. કલેક્ટરના આદેશ બાદ તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવશે. અને નવા બનેલા તમામ સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવશે.
વિશ્રામ કુટીર ધરાશાયી થતા યાત્રાળુઓ દટાયા હતા
મહત્વનું છે કે પાવાગઢના માચી ખાતે યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી છે. ત્યારે ગઈ કાલે બપોર બાદ અહી વરસાદ વરસતા કેટલાક લોકો આ કુટીરમા આવીને રોકાયા હતા. આ દરમિયાન અચાનક ઘુમ્મટ ધરાશાયી થતા યાત્રાળુઓ દટાયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. અને ફસાયેલા યાત્રાળુઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. આ ઘટનામા 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક મહિલાનું તેમાં મોત નિપજ્યું હતું. ત્યારે પાવાગઢમાં ઘટેલ આ દુખ:દ ઘટનાને પગલે MLA જયદ્રથસિંહ પરમાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ધારાસભ્ય સહિત જિલ્લા કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.
આ પણ વાંચો : તલાટીની પરીક્ષાને લઈને અમરેલી-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દાડાવવામા આવશે