રાષ્ટ્રપતિ ભવનમાં આંતરધર્મી બેઠકનું કરાયું આયોજન
દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે 25 ઓક્ટોબર, 2023ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે એક આંતરધર્મી બેઠકને સંબોધિત કરતા જણાવ્યુ હતું કે ધર્મ આપણા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ આપણને પ્રતિકૂળ સંજોગોમાં રાહત, આશા અને શક્તિ પ્રદાન કરે છે. પ્રાર્થના અને ધ્યાન મનુષ્યને આંતરિક શાંતિ અને ભાવનાત્મક સ્થિરતાનો અનુભવ કરવામાં મદદ કરે છે. પરંતુ શાંતિ, પ્રેમ, પવિત્રતા અને સત્ય જેવા મૂળભૂત આધ્યાત્મિક મૂલ્યો આપણા જીવનને અર્થપૂર્ણ બનાવે છે. આ મૂલ્યોથી વંચિત ધાર્મિક પ્રથાઓ આપણને લાભ આપી શકે નહીં. સમાજમાં શાંતિ અને સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે સહિષ્ણુતા, એકબીજા પ્રત્યે આદર અને સંવાદિતાનું મહત્વ સમજવું જરૂરી છે.
સાથેજ, માનવ આત્મા સ્નેહ અને આદરને પાત્ર છે. પોતાની જાતને ઓળખવી, મુખ્ય આધ્યાત્મિક ગુણો અનુસાર જીવન જીવવું અને ભગવાન સાથે આધ્યાત્મિક સંબંધ રાખવો એ સાંપ્રદાયિક સંવાદિતા અને ભાવનાત્મક એકીકરણનું કુદરતી માધ્યમ છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રેમ અને કરુણા વિના માનવતા ટકી શકતી નથી. જ્યારે વિવિધ ધર્મના લોકો સંપથી રહે છે ત્યારે સમાજ અને દેશનું સામાજિક માળખું મજબૂત બને છે. આ તાકાત દેશની એકતાને વધુ મજબૂત બનાવે છે અને તેને પ્રગતિના પંથે લઈ જાય છે. તેણીએ જણાવ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ તરીકે સ્થાપિત કરવાનું અમારું લક્ષ્ય છે, આ લક્ષ્યને હાંસલ કરવા માટે દરેકનો સહયોગ જરૂરી રહેશે.
આ પણ વાંચો : ઈન્ડિયા નહીં, હવે પાઠ્ય પુસ્તકોમાં માત્ર ભારત, NCERT પેનલે આપી મંજૂરી