તેલંગાણાના નિયુક્ત મુખ્યપ્રધાન રેવન્ત રેડ્ડીની રસપ્રદ પ્રેમ કહાની
- તેલંગાણાને આવતીકાલે મળશે નવા મુખ્યમંત્રી તરીકે રેવન્ત રેડ્ડી.
- તેલંગાણાના નવા અને બીજા સીએમ રેવન્ત રેડ્ડી.
- તેલંગાણામાં કોંગ્રેસની જીતમાં રેવન્ત રેડ્ડીએ મહત્વની ભૂમિકા ભજવી.
તેલંગાણા, 06 ડિસેમ્બર: તેલંગાણાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડી 7 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેઓ તેલંગાણાના નવા અને બીજા મુખ્યમંત્રી બનશે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસનો મુખ્ય ચહેરો હતા. તેમણે તેલંગાણામાં કોંગ્રેસનું શાસન લાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. કેસીઆર વિરુદ્ધ હંમેશા આક્રમક રહ્યા. 2021માં કોંગ્રેસે રેડ્ડીને રાજ્યની કમાન સોંપી હતી. ત્યારથી તે સતત મહેનત કરી રહ્યો હતો.
પ્રદેશ પ્રમુખ તરીકે તેમણે એ બધું કર્યું જે થવું જોઈતું હતું. જેના પરિણામે કોંગ્રેસ હાઈકમાન્ડે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને રાજ્યની બાગડોર તેમને સોંપવાની જાહેરાત કરી હતી. રેવંત રેડ્ડી ગુરુવારે સીએમ તરીકે શપથ લેશે. તેઓ તેલંગાણાના બીજા મુખ્યમંત્રી હશે. તેલંગાણા રાજ્યની સ્થાપના બાદ કેસીઆર 10 વર્ષ સુધી શાસન કરી રહ્યા હતા.
આવતીકાલે રેવંત રેડ્ડી મુખ્યમંત્રી પદના શપથ લેશે
કેસીઆર સતત બીજી વખત 2018ની વિધાનસભા ચૂંટણી જીત્યા અને ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. આ વખતે તેમણે હેટ્રિક નોંધાવવાનું સપનું જોયું હતું પરંતુ કોંગ્રેસે તેમનું સપનું ચકનાચૂર કરી દીધું છે. રેવંત રેડ્ડી આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આવી સ્થિતિમાં, શપથ લેતા પહેલા, ચાલો તમને જણાવીએ કે ભાવિ તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીની લવ સ્ટોરી શું છે…
રેવંત રેડ્ડીની લવ સ્ટોરી ઘણી રસપ્રદ
રેવંત રેડ્ડીની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. કહેવાય છે કે નાગાર્જુનસાગર ડેમ પાસે બોટ રાઈડ દરમિયાન રેવંત રેડ્ડીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયપાલ રેડ્ડીની ભત્રીજી ગીતા સાથે પ્રેમ થઈ ગયો હતો. ગીતાને મેળવવા માટે રેવંતને ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા. કારણ કે તે સમયે રેવંત ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી રહ્યા હતા.
રેવંત ગીતા સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ ગીતાના પરિવારજનો તેમની સાથે સહમત ન હતા. જોકે, બાદમાં ગીતાને મંજૂરી મળી ગઈ હતી. 1992માં રેવંતે ગીતા સાથે લગ્ન કર્યા હતા. 7 મે, 1992ના રોજ બંનેના લગ્ન થયા હતા. આ પછી રેડ્ડીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. રેવંત અને ગીતાને એક પુત્રી નિમિષા છે. નિમિષાએ 2015માં રેડ્ડી અને રેડ્ડી મોટર્સના માલિક જી વેંકટ રેડ્ડીના પુત્ર સત્યનારાયણ રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા.
ABVPથી રાજકારણની શરૂઆત કરી
આંધ્રપ્રદેશના મહબૂબનગરમાં 8 નવેમ્બર 1969ના રોજ જન્મેલા રેવંત રેડ્ડીએ તેમના વિદ્યાર્થી જીવનથી જ રાજકારણની શરૂઆત કરી હતી. તેમણે પોતાના રાજકારણની શરૂઆત ABVPથી કરી હતી. બાદમાં તેઓ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP)માં જોડાયા. વર્ષ 2009 માં તેઓ આંધ્ર પ્રદેશની કોડંગલ વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી જીત્યા. 2014માં તેઓ ટીડીપીના હાઉસ લીડર તરીકે ચૂંટાયા હતા.
2021માં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બન્યા
ત્રણ વર્ષ બાદ એટલે કે 2017માં તેઓ કોંગ્રેસમાં જોડાયા. તેઓ કોંગ્રેસમાં જોડાયા એના એક વર્ષ પછી એટલે કે 2018માં તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી હતી. આ ચૂંટણીમાં તેઓ ટીઆરએસના ઉમેદવાર સામે હારી ગયા હતા. 2019માં કોંગ્રેસે તેમને લોકસભા ચૂંટણીમાં મલકાજગીરીથી ટિકિટ આપી હતી. તેઓ આ ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા. વર્ષ 2021માં કોંગ્રેસે તેમને મોટી જવાબદારી આપી અને તેલંગાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. ત્યારે હવે 2023માં તેમણે વિધાનસભાની ચૂંટણી જીતી છે અને કોંગ્રેસે તેમને તેલંગાણાના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: તેલંગાણાના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત, 7 ડિસેમ્બરે શપથ ગ્રહણ