- આજની રિલીઝ સાથે નાણાકીય વર્ષ 2024-25 માટે 10 જૂન, 2024 સુધીમાં કુલ રૂ. 2,79,500 કરોડ રાજ્યોને હસ્તાંતરિત કરવામાં આવ્યા
નવી દિલ્હી, 10 જૂન : દેશમાં નવી સરકારનું ગઠન થયા બાદ એક પછી એક મોટા નિર્ણય લેવાના શરૂ થઈ ગયા છે. જેના ભાગરૂપે આજે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જૂન 2024ના મહિના માટે ડિવોલ્યુશન રકમ નિયમિતપણે જાહેર કરવા ઉપરાંત, એક વધારાનો હપ્તો બહાર પાડવામાં આવશે. જે નિર્ણયના આધારે ચાલુ મહિનામાં આ રિલીઝની કુલ રકમ રૂ.1,39,750 કરોડ છે. આનાથી રાજ્ય સરકારો વિકાસ અને મૂડીગત ખર્ચને વેગ આપવા માટે સક્ષમ બનશે.
ઉલ્લેખનીય છે કે, વચગાળાના બજેટ 2024-25માં રાજ્યોને કરવેરાના હસ્તાંતરણ માટે રૂ. 12,19,783 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રકાશન સાથે, 10 જૂન 2024 સુધી રાજ્યોને (નાણાકીય વર્ષ 2024-25 માટે) કુલ રૂ. 2,79,500 કરોડ હસ્તાંતરિત કરવામાં આવી છે.
ક્યાં રાજ્યને કેટલી રકમ આપવામાં આવી ?
આ નિર્ણય સાથે જ આંધ્ર પ્રદેશ રૂ.5655.72 કરોડ, અરુણાચલ પ્રદેશને રૂ.2455.44 કરોડ, આસામને રૂ.4371.38 કરોડ, બિહારને 14056.12 કરોડ, છત્તીસગઢને 4761.30 કરોડ, ગોવાને રૂ.539.42 કરોડ, ગુજરાતને રૂ.4860.56 કરોડ, હરિયાણાને રૂ.1527.48 કરોડ, હિમાચલ પ્રદેશને રૂ.1159.92 કરોડ, ઝારખંડને રૂ.4621.58 કરોડ, કર્ણાટકને રૂ.5096.72 કરોડ, કેરળને રૂ.2690.20 કરોડ, મધ્ય પ્રદેશને રૂ.10970.44 કરોડ, મહારાષ્ટ્રને રૂ.8828.08 કરોડ, મણિપુરને રૂ.1000.60 કરોડ, મેઘાલયને રૂ.1071.90 કરોડ, મિઝોરમને રૂ.698.78 કરોડ, નાગાલેન્ડને રૂ.795.20 કરોડ, ઓડિશાને રૂ.6327.92 કરોડ, પંજાબને રૂ.2525.32 કરોડ, રાજસ્થાનને રૂ.8421.38 કરોડ, સિક્કિમને રૂ.542.22 કરોડ, તમિલનાડુને રૂ.5700.44 કરોડ, તેલંગાણાને રૂ.2937.58 કરોડ, ત્રિપુરાને રૂ.989.44 કરોડ, ઉત્તર પ્રદેશને રૂ.25069.88 કરોડ, ઉત્તરાખંડને રૂ.1562.44 કરોડ, પશ્ચિમ બંગાળને રૂ.10513.46 કરોડ મળી કુલ રૂ.139750.92 ફાળવવામાં આવ્યા છે.