અમેરિકામાં ભારતીયો અસુરક્ષિત ! જીમમાં છરી વડે હુમલામાં ઘાયલ વિદ્યાર્થીનું મોત
અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં ફિટનેસ સેન્ટરમાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ઈન્ડિયાની વાલપરાઈસો યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી વરુણ રાજ પર 29 ઓક્ટોબરે હુમલાખોર જોર્ડન એન્ડ્રેડ નામના શખ્સે જીમમાં છરી વડે હુમલો કર્યો હતો, જેમાં વરૂણને માથામાં ઈજા થઈ હતી. અધિકારીઓ હુમલાના કારણની તપાસ કરી રહ્યા છે.
શિકાગોની નજીક આવેલી વાલપરાઈસો યુનિવર્સિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વરુણ રાજના નિધનના સમાચાર અમે ભારે હૃદય સાથે શેર કરીએ છીએ.” આ દુઃખની ઘડીમાં અમારી સાંત્વના વરુણના પરિવાર અને તેના મિત્રો સાથે છે.” ઘટના બાદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો અને હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે.
યુનિવર્સિટીએ કહ્યું, “યુનિવર્સિટી વરુણના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને અમે શક્ય તેટલી સહાય અને સમર્થન આપવાનું ચાલુ રાખીશું જેથી કરીને પરિવાર આ અત્યંત મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકે.” વરુણ માટે એક સ્મારક સેવાનું આયોજન કરવામાં આવશે. 16મી નવેમ્બરે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
હુમલાનું કારણ જાણવા પોલીસ કરી રહી છે તપાસ
હુમલાખોર જોર્ડન એન્ડ્રેડે પોલીસને જણાવ્યું હતું કે તે અને વરુણ ક્યારેય બોલ્યા ન હતા પરંતુ કોઈએ તેને કહ્યું હતું કે વરુણ તેને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. જીમના લોકોએ કહ્યું હતું કે વરુણ શાંત છે અને કોઈની પરવા નથી કરતો. જો કે, હુમલાનું અસલી કારણ જાણવા સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે.