સુરતમાં સીટી બસના ભાડામાં વધારો જાહેર કરાયો, જાણો કેટલો વધારો થયો
સુરત મહાનગર પાલિકા દ્વારા સીટી બસના ભાડામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.પાલિકા દ્વારા આ વધારો સામાન્ય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સીટી બસના ભાડામાં 1 રૂપિયાથી લઈને પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ મીનિમમ ભાડું 4 રૂપિયા હતું જે વધારીને 5 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. મહત્તમ ભાડુ 25 રૂપિયા રાખવામાં આવ્યું છે.
સીટી બસના ભાડામાં વધારો કરાયો
પ્રાપ્ત વિગતો મુજબ સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસની ટિકિટના ભાવમાં વધારો કરવામા આવ્યો છે. મનપા કચેરી ખાતે મળેલી સિટી લિંકની બેઠકમાં ટિકિટના દર રાઉન્ડ ફિગર કરવામાં આવ્યા છે. તેમાં ટિકિટ દીઠ રૂ.1નો વધારો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. જ્યારે અનલિમિટેડ મુસાફરી માટેની સુમન પ્રવાસ ટિકિટના દર 25 રૂપિયા હતા, તે વધારીને 30 કરી દેવામાં આવ્યા છે.
આ લોકોને ભાડા વધારાની અસર નહીં
મહત્વનું છે કે ડિજિટલ પેમેન્ટ કરનારને ભાડા વધારાની અસર થશે નહીં ડિજિટલ પેમેન્ટને પ્રત્સાહન આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ મુસાફર ટિકિટ માટે ડિજિટલ પેમેન્ટ કરશે તો તેમને ટિકિટમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે, આ સિવાય મહિલાઓ માટે 1 હજારમાં આખું વર્ષ મુસાફરીની યોજના જાહેર કરવામાં આવી છે. જ્યારે વિધ્યાર્થીઓ માટે 14 ઈલેક્ટ્રિક બસ સાથેનો રૂટ શરૂ કરાયો છે.
આ પણ વાંચો : ઈસ્કોન અકસ્માતને એક માસ પૂર્ણ: આજે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર ચુકાદો
9 વર્ષમાં પહેલીવાર સુરત સીટી બસના ભાડામાં વધારો
ઉલ્લેખનીય છે કે 9 વર્ષમાં પહેલીવાર સુરત સીટી બસના ભાડામાં વધારો કરાયો છે.સુરતમાં 13 રૂટ પર 300 BRTS બસ દોડે છે તો 45 રૂટ પર 575 સીટી બસ દોડે છે, જેમાં 2.75 લાખ લોકો રોજ તેનો લાભ લેતા હોય છે.
આ કારણે લેવાયો નિર્ણય
આ ભાવ વધારા અંગે મનપાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતુ કે ” શહેરમાં દોડતી સિટી બસમાં પહેલા 4 રૂપિયાથી લઈને 24 રૂપિયા સુધીની ટિકિટ હતી, પરંતુ છુટા પૈસાના કારણે ટિકિટ નહીં આપવાનું કૌભાંડ થતું હતું તેથી ટિકિટના દર રાઉન્ડ ફિગર કરી દેવામા આવ્યા છે.
આ પણ વાંચો : અંબાલાલ પટેલની આકરી આગાહી, કહ્યું- “હવે માખીઓનો ત્રાસ વધશે, લોકો ત્રાહિમામ પોકારશે”