તલાટીની પરીક્ષાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, સ્કૂલ બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા મળશે મંજુરી
ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી તા.07મી મે 2023નાં રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજનાર છે. જેમાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. રાજ્યના યુવા ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર જવર દરમિયાન પરિવહન વ્યવસ્થામાં સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
સ્કૂલ બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા મંજુરી
આ બેઠકમાં પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પરીક્ષાનાં દિવસોમાં શાળા/કોલેજોમાં વેકેશન હોઈ સ્કુલ બસોનાં સંચાલકો જો તલાટી-કમ મંત્રીના ઉમેદવારોને પરિવહનની સેવા પૂરી પાડવા ઇચ્છતા હોય તો ખાસ કિસ્સામાં તા.06/05/2023 તથા તા.07/05/2023નાં રોજ આવી બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળા/કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસુલ કરી બસનું સંચાલન કરી શકશે.
એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવા આયોજન
આ ઉપરાંત એસ.ટી નિગમની બસોમાં નિયમિત એક્સપ્રેસ મુસાફર ભાડાથી સેવાઓ પૂરી પાડવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથો સાથ રેલ્વે તંત્રની સાથે સંકલનમાં રહીને એક્સ્ટ્રા ટ્રેનો દોડાવી ઉમેદવારોને સમયસર પરીક્ષાના સ્થળ સુધી પહોંચાડવા આયોજન કરવામાં આવી રહ્યું છે.
ઉમેદવારોને પરીવહનની સેવાઓ પૂરી પાડવા અનુરોધ
શાળા/કોલેજની બસો તથા ખાનગી બસ સંચાલકોએ તલાટી-કમ મંત્રીનાં ઉમેદવારોને પરીવહનની સેવાઓ પૂરી પાડવા વાહન વ્યવહાર વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી આ તારીખે આવશે અમદાવાદ, 1400 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ