ગરમી વધતા ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય, અમદાવાદના 100 ટ્રાફિક સિગ્નલ બપોરે રહેશે બંધ
- તાપમાં વાહનચાલકોને ઉભું ન રહેવું પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો
- શહેરમાં અંદાજે 6 કરોડના ખર્ચે 100 સિગ્નલ પર સિસ્ટમ લગાવાશે
- લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવુ નહી પડે
ગરમી વધતા ટ્રાફિક વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદના 100 ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રહેશે. તેમાં બપોરે 12થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. તેમજ હેવી ટ્રાફિક સિગ્નલનો સમય ઘટાડાશે. તેમાં તાપમાં વાહનચાલકોને ઉભું ન રહેવું પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હીટવેવ વિશે જાણો શું કરી હવામાન વિભાગે આગાહી
અમદાવાદીઓને બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ પર ઉભુ રહેવુ પડશે નહી
અમદાવાદીઓને બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ પર ઉભુ રહેવુ પડશે નહી. ગુજરાતમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે વાહન ચાલકો માટે ટ્રાફિક વિભાગે સારો નિર્ણય કર્યો છે. અમદાવાદના 100 જેટલા ચાર રસ્તા પર સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે ચાર રસ્તા પર માત્ર યલો લાઈટ બ્લિંક કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં કુલ 305 સિગ્નલ છે. જેમાંથી 20 સિગ્નલ બંધ હાલતમાં છે. તે સિવાય 100 જેટલા સિગ્નલ પર બપોરે 12-4 વાગ્યા સુધી બ્લિકર મુકવામાં આવશે. આ તમામ પોઈન્ટ પર પોલીસની હાજરી હશે જેથી ટ્રાફિકનુ નિયમન પણ થઈ શકે. આ સિવાય કોર્પોરેશન સાથે મળી મોટા ચાર રસ્તા પર ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે મંડપ પણ બંધાશે તેથી સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકોને આકરો તાપ સહન ન કરવો પડે.
આ પણ વાંચો: અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર, એક પણ તળાવનું પાણી પીવાલાયક નથી
શહેરમાં અંદાજે 6 કરોડના ખર્ચે 100 સિગ્નલ પર સિસ્ટમ લગાવાશે
અમદાવાદ શહેરમાં અંદાજે 6 કરોડના ખર્ચે 100 સિગ્નલ પર આ સિસ્ટમ લગાવાશે. જેની મદદથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. આ સિસ્ટમ કોર્પોરેશન આગામી સમયમાં લાવવા જઈ રહ્યું છે. જેના કારણે લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવુ નહી પડે. એટલે કે જો ચાર રસ્તા પર એક સિગ્નલ ખુલે જેનો દોઢ મિનિટ સમય હોય અને ત્યાથી 60 સેકન્ડમાં ટ્રાફિક હળવો થઈ જાય, તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલ ખુલી જશે. જેથી સામેના સિગ્નલના ચાલકોને જલ્દી નીકળવા મળશે. એટલે કે વાહન ચાલકોનો સમય બચશે.