ભગવાન વિષ્ણુની મૂર્તિ અને પ્રાચીન શિવલિંગ કર્ણાટકમાં નદીમાંથી મળ્યાં
- રાયચૂર જિલ્લાના ગામમાંથી મળી મૂર્તિ, મૂર્તિની આસપાસ કોતરેલા છે દશ અવતાર
- મૂર્તિ 11મી કે 12મી સદીની હોવાનું પુરાતત્વવિદોનું અનુમાન
કર્ણાટક, 7 ફેબ્રુઆરીઃ કર્ણાટકના રાયચુર જિલ્લાના એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની એક પ્રાચીન મૂર્તિ મળી આવી છે, જેની આસપાસ તમામ દસ અવતાર કોતરેલા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ મૂર્તિની વિશેષતા એ છે કે અયોધ્યામાં તાજેતરમાં જ નવનિર્મિત મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી ‘રામ લલ્લા’ની મૂર્તિ જેવી જ છે. ભગવાન વિષ્ણુની આ મૂર્તિનો રંગ રુપ રામલલ્લાના ભવ્ય મંદિર આયોધ્યામાં સ્થાપિત મૂર્તિથી મળતો આવે છે. મૂર્તિની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે.
ભગવાન વિષ્ણુની આ મૂર્તિના પ્રભામંડળની આસપાસ દશાવતાર કોતરવામાં આવ્યા છે. મૂર્તિને મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિથી શણગારવામાં આવી છે. ભગવાન વિષ્ણુની મૂર્તિને ચાર હાથ છે, જેમાંથી બે ઊભા હાથ શંખ અને ચક્રથી સજ્જ છે. બે હાથ સીધા નીચેની તરફ આશીર્વાદની મુદ્રામાં છે. આમાંથી એક છે કટી હસ્ત અને બીજું છે વરદ હસ્ત.
રાયચુર યુનિવર્સિટીના પ્રાચીન ઈતિહાસ અને પુરાતત્વના લેક્ચરર ડૉ. પદ્મજા દેસાઈએ વિષ્ણુની મૂર્તિ વિશે જણાવ્યું હતું કે આ મૂર્તિ કદાચ કોઈના ગર્ભગૃહને શણગારતી હશે, અને સંભવિત રુપથી જોવા જઈએ તો મંદિરોને નુકસાન પહોંચાડવા સમયે આ મૂર્તિને નદીમાં ફેંકવામાં આવી હશે. પુરાતત્વ વિદોનું માનીએ તો આ મૂર્તિ 11મી કે 12મી સદીની હોવાનું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો : અક્ષય કુમાર ભગવાન શિવના વેશમાં જોવા મળ્યો, વીડિયો વાયરલ