આણંદમાં જિલ્લાના પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાયું
- જિલ્લા કલેક્ટરે શહીદ સૈનિકોના પરિવારજનોનું અભિવાદન કર્યું
આણંદ, 22 સપ્ટેમ્બર: પૂર્વ સૈનિકો/દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતા લાભો અને અન્ય સવલતોની જાણકારી આપવાના હેતુથી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, વડોદરાના કાર્યક્ષેત્ર હેઠળના જીલ્લાઓ પૈકી આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન આણંદ કલેકટર પ્રવિણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ સ્થિત બી.એ. કોલેજ ખાતે યોજાયું હતું. જિલ્લા કલેક્ટરે શહીદ સૈનિકોના પરિવારજનોનું અભિવાદન કર્યું હતું. કલેકટર પ્રવીણ ચૌધરીએ કહ્યું કે રાષ્ટ્રની સુરક્ષા માટે પ્રાણોની આહુતિ આપનાર સૈનિકોનું ઋણ કદી ચૂકવી ન શકાય.
આણંદમાં જિલ્લાના પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના સૈનિકો, પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના પરિવારજનોના આ કાર્યક્રમમાં મને હાજર રહેવાની તક મળી તે બદલ આજની આ ક્ષણ ને ભૂલી નહિ શકું. તેમણે સૈનિકોને રાષ્ટ્રના સાચા વિર યોદ્ધા ગણાવતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સુરક્ષા માટે જે કોઈ સૈનિકોએ બલિદાન આપ્યું છે, તેનું ઋણ કદી ના ચૂકવી શકાય, જિલ્લા વહીવટી તંત્ર હંમેશા તમારી સાથે છે.
આણંદ જિલ્લાના સૈનિકો કે પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારજનોને કોઈ પ્રશ્ન હોય તો રૂબરૂ મળવા જણાવી તેમના પ્રશ્નોનું પ્રાથમિકતા સાથે નિરાકરણ લાવવામાં આવશે તેવી પણ ખાત્રી આપી હતી. આ ઉપરાંત સૈનિકોને કોઈપણ પ્રકારની અગવડતા હોય તો પણ જિલ્લા પ્રશાસન તમારી સાથે છે, તેમ જણાવી દિવંગત સૈનિકોના કુટુંબીજનો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ તકે કેન્દ્ર/ રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ પૂર્વ સૈનિકોના પરિવારોના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
પ્રારંભમાં લે. કર્નલ (ડૉ) કમલપ્રીત સાગી એ સંમેલનમાં આવનાર સૌને આવકારી પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટેની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટર પ્રવીણ ચૌધરી અને લે. કર્નલ (ડૉ) કમલપ્રીત સાગીએ દેશ કાજે પોતાનું જીવન હોમી દેનાર શહીદોના પરિવારો તેમજ પૂર્વ સૈનિકોના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર દિવંગતોને સૌએ ઊભા થઈ બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનો, કૃષિ યુનિવર્સિટી આણંદના ડો. વાય એમ. શુક્લા, ડો. એન એમ. ગોહિલ, બી એ. ગોહિલ, રાજ્ય સૈનિક બોર્ડ અમદાવાદના ઇરફાનભાઇ વોરા સહિત જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી, વડોદરાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો….શું હવે ગુજરાતમાં ડિઝનીલેન્ડ પાર્કની મજા માણી શકાશે? જાણો શું અપડેટ?