ગુજરાતમાં પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારો ફોર્મ ભરવા નીકળ્યા, ગેનીબેન ટ્રેક્ટરમાં બેઠા
અમદાવાદ, 15 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જબરદસ્ત ચાલી રહ્યો છે. કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે.ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્યારે આજે સોમવારે રાજ્યની કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા નીકળ્યા છે. ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આજે ફોર્મ ભરશે. જોકે, કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચે તે પહેલા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. જેમાં બનાસકાંઠાના ગેનીબેન ટ્રેક્ટરમાં બેઠા હતા. પોરબંદરથી મનસુખ માંડવિયાએ મહાદેવના દર્શન કર્યા બાદ ભવ્ય રોડ શો યોજ્યો હતો.
ગેનીબેન ટ્રેક્ટરમાં બેસીને સભા સ્થળે પહોંચ્યા હતાં
પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા અને પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે પોરબંદર શહેરમાં આવેલા ભાવેશ્વર મંદિર ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિર અને સુદામા મંદિર ખાતે દર્શન કર્યા હતા. ત્યારબાદ સુદામા ચોકમાં આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં બંને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સંબોધી હતી.બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે ફોર્મ ભરવા નીકળ્યા છે. તેઓ આજે ટ્રેક્ટરમાં બેસીને કોંગ્રેસના સભા સ્થળે આવ્યાં હતાં. ગેનીબેન ઠાકોરના સમર્થનમાં હજારો લોકો જોડાયા હતા. ટ્રેક્ટર, બાઈક અને ગાડીઓ સહિતનાં વાહનોમાં સમર્થકો આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ટ્રેક્ટરમાં બેસી સભા સ્થળે જવા રવાના થઈ છે.
મનસુખ વસાવા નિવાસસ્થાનેથી પૂજાપાઠ કરી ફોર્મ ભરવા રવાના
ભરૂચ સાંસદ મનસુખ વસાવા આજે સાતમી વખત લોકસભા ભરૂચ બેઠક માટે નામાંકન ભરવા તેમના રાજપીપળાના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા. ભરૂચ કલેક્ટર કચેરી જવા રવાના થયા હતા. આજે વહેલી સવારે ઊઠી પોતાના નિવાસસ્થાને પોતાના પરિવાર સાથે પૂજાપાઠ કરી એમને પત્નીએ એમનું મોં મીઠું કરાવ્યું અને ઘરેથી તેમનાં કુટુંબીજનો અને શુભેચ્છકોની શુભેચ્છા લઇ તેઓ આદ્યશક્તિ મા હરસિધ્ધિના મંદિરે પહોંચ્યા હતા અને પૂજાપાઠ કરી રાજપીપળાથી ભરૂચ રવાના થયા હતા. તેઓએ સરકારના થયેલાં કામો અને પ્રધાનમંત્રી મોદીના સુસાશન અને કાર્યોને કારણે જંગી બહુમતીથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃમોદી ચા બનાવશે, હું કુલડી બનાવીશ…! ચૂંટણી લડીશ અને સાંસદ બની પાઠ ભણાવીશ: જુઓ અપક્ષ ઉમેદવારનો Video