વહેલી સવારમાં ભૂકંપથી મહારાષ્ટ્ર હચમચી ગયું, ત્રણ રાજ્યોમાં આવ્યા આંચકા
- મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
- ભૂકંપમાં જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી
- મહારાષ્ટ્ર સિવાય તેલંગાણા અને કર્ણાટકમાં ભૂકંપના આંચકા અનુભવાયા
મુંબઈ : મહારાષ્ટ્રમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ ભૂકંપ સવારે 5.09 વાગ્યે આવ્યો હતો અને જેનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 5 કિલોમીટર નીચે હતું. તેનાથી કોઈ નુકસાન થયું નથી, પરંતુ મહારાષ્ટ્ર સિવાય તેલંગાણા અને કર્ણાટકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
An earthquake of Magnitude 3.5 on the Richter scale hit Hingoli, Maharashtra at 5:09 am today: National Centre for Seismology pic.twitter.com/OPsceoqIJw
— ANI (@ANI) November 20, 2023
મળેલી માહિતી મુજબ, હિંગોલી જિલ્લો કે જે ભૂકંપનું કેન્દ્ર હતું, તે પૂર્વ મહારાષ્ટ્રમાં આવેલું છે. તે ઉપરાંત ભૂકંપનું કેન્દ્ર તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી 255 કિલોમીટર દૂર અને નાગપુરથી 265 કિલોમીટર દૂર હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
અગાઉ અરબી સમુદ્રમાં પણ ખતરનાક ભૂકંપના આંચકા !
મહારાષ્ટ્રના હિંગોલી પહેલા તારીખ 19 નવેમ્બરની સાંજે આરબ સાગરમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અરબી સમુદ્રમાં રવિવારે સાંજે 6.36 કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. રવિવારે નેપાળ અને જમ્મુ-કાશ્મીરના ડોડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં રવિવારે બપોરે 3.45 વાગ્યે 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને રવિવારે સવારે 11.30 વાગ્યે જમ્મુ-કાશ્મીરના ડોડામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપ શા માટે આવે છે?
પૃથ્વીની સપાટીની નીચે ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો એકબીજા તરફ આગળ વધતી રહે છે, જ્યારે પણ બે ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ઘર્ષણને કારણે ઊર્જા મુક્ત થાય છે અને તે તરંગોના રૂપમાં પૃથ્વીની સપાટી પર પહોંચે છે. આ કારણે આંચકા લાગે છે અને આ પ્રક્રિયાને ભૂકંપ કહેવામાં આવે છે.
આ પણ વાંચો :દક્ષિણ ફિલિપાઈન્સમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું જોખમ નથી